યુનાન: ચીનના દક્ષિણી પ્રાંત યુનાનમાં ગુરુવારે 27મી નવેમ્બરે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ભૂકંપ માપવાના સાધનોનું ટેસ્ટિંગ કરતી એક ટ્રેને રેલવેના જ કર્મચારીઓને કચડી નાખ્યા હતા.અહેવાલો અનુસાર, આ દુર્ઘટના યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગમાં સ્થિત લુઓયાંગ ટાઉન રેલવે સ્ટેશન નજીક બની હતી. ભૂકંપના સંકેતો શોધી કાઢતી ટેસ્ટિંગ ટ્રેન (Testing Train) જ્યારે સ્ટેશનની અંદરના વળાંકવાળા ભાગમાં પ્રવેશી, ત્યારે તે ટ્રેક પર કામ કરી રહેલા રેલવે કર્મચારીઓ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.દુર્ઘટના બાદ તરત જ રેલવે અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે સ્ટેશન પર સામાન્ય પરિવહન સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણની તપાસ હાલમાં ચાલી રહી છે. રેલવે પ્રશાસને જણાવ્યું છે કે આ દુર્ઘટના માટે જવાબદારો સામે કાયદા અને નિયમો અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે.
Reporter: admin







