વડોદરા: સયાજીબાગની પાછળ વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની વર્ષો જૂની લાઈન લીકેજ થવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હવે નદીમાં સ્ટીલ બ્રિજ બનાવી તેના પર લાઈન ટ્રાન્સફર કરવામાં આવનાર છે. ઉઘાડ નીકળશે એટલે ફાઉન્ડેશન બનાવીને આ કામગીરી તાત્કાલિક હાથ પર લેવામાં આવશે.
અગાઉ આ લાઈન લીકેજ થઈ હતી, અને રીપેરીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષો જૂની લાઈન હોવાથી લીકેજ થયા કરે છે. આ પૂર્વે લીકેજ થયું ત્યારે ફાયર બ્રિગેડ અને ઝૂ વિભાગની મદદ લઈને નદીના લાઈનવાળા વિસ્તારને બેરીકેડ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના તરવૈયાઓ રાખ્યા હતા, કારણ કે આ જગ્યાએ મગરો વધુ રહે છે. એ સમયે મગરોનો બ્રીડિંગ સમય હતો, એટલે કામ કરવું પણ અઘરું હતું .
કામ અધૂરું છોડી દેવું પડ્યું હતું. આ લાઈન સયાજીબાગ ટાંકીથી નીકળે છે, અને સાધના નગર બુસ્ટરને કનેક્ટ કરે છે. વર્ષો પહેલા આ રીતે નદીમાંથી લાઈનો ક્રોસ કરવામાં આવી હતી. નદીમાં અન્ય કેટલાક લોકેશન પર પણ આવી રીતે લાઈનો પસાર થાય છે તે તમામને સ્ટીલ બ્રિજ ઉપર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જેથી કરીને લીકેજના કોઈ પ્રશ્નો સર્જાય તો તાત્કાલિક કામ હાથ ધરી શકાય.
Reporter: admin







