આગ્રા: ઉત્તરપ્રદેશના આગ્રામાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો.
ન્યૂ આગ્રાના નગલા બૂઢી વિસ્તારમાં એક અત્યંત તેજ રફતાર કારે કાબૂ ગુમાવીને ઘરની બહાર બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરી મચી ગઈ હતી.પ્રત્યક્ષદર્શીઓ અને મૃતક બબલીના ભાઈ પિન્ટુના જણાવ્યા અનુસાર, થાર જેવી દેખાતી એક ગાડી ખૂબ જ તેજ ગતિએ આવી અને ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધું. કાર સીધી રસ્તાના કિનારે બેઠેલા લોકો પર ચઢી ગઈ અને છેવટે એક દીવાલ સાથે અથડાઈ. ટક્કર એટલી ભીષણ હતી કે ઘણા લોકોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આગ્રા પોલીસ કમિશનરેટના એસીપી શેષમણિ ઉપાધ્યાયે જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનેલા પાંચ લોકોને એસએન મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તે બધા મૃત્યુ પામ્યા હતા. પોલીસે આરોપી કાર ચાલકની અટકાયત કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે પાંચમાંથી ચાર મૃતકોની ઓળખ કરી લીધી છે, જેમાં 23 વર્ષીય સતીશ, 20 વર્ષીય મહેશ, 33 વર્ષીય હરીશ અને ભાનુ પ્રતાપનો સમાવેશ થાય છે. પાંચમા મૃતકની ઓળખના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યું દુઃખ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હૃદયદ્રાવક ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.
Reporter: admin







