નવી દિલ્હી : ભારતીયો યુએસમાં ગેરકાયદે પ્રવેશવા મેક્સિકોની સરહદ પસંદ કરતાં હતા પણ હવે યુએસમાં ઘુસવા માટે કેનેડાની સરહદેથી ભારતીયોનો ધસારો વધ્યો હોવાનું વિવિધ અહેવાલો જણાવે છે.
મેક્સિકો અને અલ સાલ્વાડોરની સરહદે ચોંપ અને ખર્ચ વધતાં હવે ભારતીયો કેનેડાની સરહદથી યુએસમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાનું જણાયું છે.સામાન્ય રીતે યુએસમાં ગેરકાયદે પ્રવેશવા માંગતા ભારતીયો મેક્સિકો અથવા અલ સાલ્વાડોરમાંથી યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં હતા.પણ અલ સાલ્વાડોર દ્વારા ભારતીય પ્રવાસીઓ પર ૧૧૩૦ ડોલરની ફી ૨૦૨૩માં દાખલ કરવાંમાં આવતાં અહીંથી યુએસમાં ઘુસવાનો પ્રયાસ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જો કે, બોલિવિયામાં હજી વીઝા ઓન એરાઇવલ મળતાં હોઇ અહીં પણ ઘણાં તકદીર અજમાવે છે. નવેમ્બર ૨૦૨૩ સુધી ઘણાં ભારતીયોએ નિકારાગુઆ અને અલ સાલ્વાડોરના વીઝા ફ્રી સ્ટેટસનો લાભ લીધો હતો.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન દ્વારા ઉત્તર અમેરિકા એટલે કે કેનેડાની સરહદને ૧૩ સેક્ટરમાં વહેચી નાંખવામાં આવી છે. તેમાં પણ ન્યુ યોર્ક અને ન્યુ હેમ્પશાયરને આવરી લેતાં સ્વાન્ટોન સેક્ટરમાંથી ઘુસણખોરીનો પ્રયાસ કરતાં ભારતીયોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાયું છે. જુન ૨૦૨૪ સુધીમાં આ સેક્ટરમાં ૨૭૧૫ ભારતીયો સરહદ પાર કરવાનો પ્રયાસ કરતાં જણાયા હતા. જો કે, ફેબુ્રઆરીથી નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન એરિઝોનામાં આવેલાં ટકસન સેક્ટરમાંથી ૫૫૯૮ ભારતીયો યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં જણાયા હતા.ભાષાની નજરે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા ભારતીયોના આંકડાઓ જોઇએ તો ૨૦૧૨થી ૨૦૨૪ સુધીમાં ઇમિગ્રેશન કોર્ટમાં બચાવ કરતાં ભારતીયોની બોલાતી ભાષાઓમાં પંજાબી, હિન્દી અને ગુજરાતી મુખ્ય જણાઇ હતી.
Reporter: admin