રાજકોટ : રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુર ખાતે દર વર્ષે યોજાતા દિવાળી ફનફેરમાં શુક્રવારે (24 ઓક્ટોબર) સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
ફનફેરમાં ચાલુ 'બ્રેકડાન્સ' રાઇડ અચાનક તૂટી પડતાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે જેતપુરમાં દિવાળી ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફનફેરમાં શુક્રવારે (24 ઓક્ટોબર) દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે લોકો ત્યાં મેળા અને રાઇડ્સની મજા માણી રહ્યા હતા, ત્યારે એકાએક ચાલુ બ્રેકડાન્સ રાઇડ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ધવલ મંડલી અને તેમની પત્ની ગાયત્રી મંડલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, બંનેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હાલ, દંપતીની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફનફેરમાં રાઇડ તૂટ્યાની સાથે જ આયોજકો અને ત્યાં હાજર લોકોમાં ભય અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહીના ભાગરૂપે મેળો બંધ કરાવી દીધો અને દુર્ઘટનાના કારણોની તપાસ હાથ ધરી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે, આ દિવાળી ફનફેરને આયોજન માટે પૂરતી મંજૂરી મળી હતી કે નહીં. આ સાથે જ, રાઇડ્સની સુરક્ષા અને જાળવણીના માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.નોંધનીય છે કે, આજથી પાંચ વર્ષ પહેલાં 14 જુલાઈ 2019માં અમદાવાદના કાંકરિયામાં પણ રાઇડ દુર્ઘટના સર્જાઈ હતી.
Reporter: admin







