News Portal...

Breaking News :

હાઇવેના ખાડા મુદ્દે કાકા અને બાબાભાઇ વચ્ચે જશ લેવાની હોડ

2025-07-25 12:07:49
હાઇવેના ખાડા મુદ્દે કાકા અને બાબાભાઇ વચ્ચે જશ લેવાની હોડ


ભાજપમાં જશ લેવા માટે તમામ નેતાઓ હંમેશા ઉત્સાહી.




જનતા હવે "બહુ-રૂપિયા" નેતાઓને ઓળખી ચૂકી છે.
ભાજપમાં જશ લેવા માટે તમામ નેતાઓ હંમેશા ઉત્સાહી હોય છે પછી તે કોઇ પણ મુદ્દો હોય.કાકા હોય કે નવા નવા સાંસદ  હોય પણ જશ લેવામાં કોઇ પાછું પડે તેમ નથી.  છેલ્લા ઘણા દિવસોથી જાંબુઆ પાસે નેશનલ હાઇવે પર પડી ગયેલા ખાડાઓના કારણે સતત ટ્રાફિક જામ થઇ રહ્યો છે તે મુદ્દે પણ ભાજપના વયોવૃદ્ધ કાકા અને નવા સવા સાંસદ બનેલા બાબાભાઇ પણ જશ લેવા મેદાનમાં આવી ગયા છે. બંનેએ પોતાની રજૂઆતોના કારણે હવે ટ્રાફિક જામ નહી થાય તેવો દાવો કર્યો હતો. આજે આમ તો સ્મશાનના ખાનગીકરણના મુદ્દે ભાજપના આંતરીક રાજકારણથી સર્જાયેલી મુશ્કેલી અને પ્રજાનો આક્રોશ જોતાં શહેર પ્રમુખે પત્રકાર પરિષદ બોલાવી હતી. પત્રકાર પરિષદમાં પ્રમુખે તો જે જાહેરાત કરવાની હતી તે કરી દીધી અને પછી તેમણે માઇક ધારાસભ્ય યોગેશ પટેલને આપ્યું. દરેકને લાગ્યું કે કાકા સ્મશાનના મુદ્દે બોલશે કારણકે તેમણે કમિશનરને આ મુદ્દે બે પત્રો લખી કાઢેલા હતા પણ હાથમાં માઇક આવતા કાકા બોલવા લાગ્યા કે જાંબુઆ પાસે હાઇવેમાં મોટા મોટા ખાડા પડી ગયા છે તેમ કહીને તેમના જ પક્ષની પોલ ખોલી દીધી હતી. અને ટ્રાફિક જામ થાય છે તેથી મેં પોલીસ અધિકારીઓ, કમિશનરને, સિટી એન્જિનીયરને ફોન કર્યા છે અને હાઇવે ઓથોરિટીના અધિકારીને પણ ફોન કર્યા છે અને પગલાં લેવાનું કહ્યું છે. આટલું બોલી રહ્યા ત્યાં જ પ્રમુખની સાથે સૌ ઉભા થઇ ગયા હતા. કાકા આ વાત કરતા હતા ત્યારે ત્યાં હાજર ભાજપના એકેય નેતાને તેમની વાતમાં રસ જ ના હોય તેવું વર્તન જોવા મળ્યું હતું. 


૮૦ વર્ષનાં કાકા ઉંમરના કારણે કે પછી બીજા કોઇ કારણો હોય પણ તે ભુલી ગયા કે આ સ્મશાનના મુદ્દાની પ્રેસ કોન્ફરન્સ હતી અને તેમાં તમે જે રજૂઆતો કરી તે મુદ્દે બોલવાનું હતું પણ તેમાં શહેર પ્રમુખ જશ લઇ ગયા હતા. પોતાને જશ મળે તેમ ન હતો તેથી જશ લેવા માટે કાકાએ જાંબુઆ હાઇવેની વાતો કરવા માંડી હતી. 80 વર્ષના કાકાનો હાથ પણ તે વખતે ધ્રુજતો હતો.માઈક સતત ડોલતું હતું. કાકા જો કે ભુલી ગયા હતા કે ભાજપનું જ રાજ છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં છે અને 30 વર્ષથી રાજ્યમાં અને વડોદરામાં છે અને તેમના રાજમાં જ હાઇવે ઉપર પણ મોટા ખાડા પડ્યા છે. બીજી તરફ આટલા દિવસોથી હાઇવે પરના ખાડા પડેલા છે અને સતત ટ્રાફિક જામ થાય છે ત્યારે સાંસદ બાબાભાઇ પણ  ઉંઘમાંથી જાગ્યા હતા અને કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીને મળીને રજૂઆત કરી તો નીતિન ગડકરીએ અધિકારીઓને ખખડાવ્યા હોવાનું બાબાભાઇએ વડોદરાના મિડીયાને જણાવી દીધું . તેમણે પણ તરત જ નીતિનભાઇ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મુકીને વાહવાહી લેવાનો પ્રયાસ કર્યો. ધારાસભ્ય યોગેશ પટેલ હોય કે સાંસદ હૃમાંગ જોશી,બન્ને ટ્રાફિકનાં એડવાઈઝર હોય એમ લાગતું હતું. આમ પણ સાંસદ નજીવી બાબતમાં પણ વાહવાહી લેવાનો પ્રયાસ તો કરતા જ રહે છે.હવે કાકા અને બાબા એક જ મુદ્દાને લઈને જશ લેવા નીકળ્યા હતા. જનતા હવે "બહુ-રૂપિયા" નેતાઓને ઓળખી ચૂકી છે.

Reporter: admin

Related Post