ભટિંડા: પંજાબના ભટિંડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં ભટિંડા તલવંડી સાબો રોડ પર જીવન સિંહ વાલા ગામ પાસે એક ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો હતો.
આ બસ કાબુ બહાર જતા નાળામાં પડી હતી.આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે. જેમાં ઘાયલોને તલવંડી સાબો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને ભટિંડાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બસમાં કુલ 50 લોકો મુસાફરી કરી રહ્યા હતા.મળતી માહિતી મુજબ ભટિંડામાં એક ખાનગી કંપનીની બસ કર્મચારીઓને લઈને જઈ રહી હતી. બપોરના વિરામ બાદ જ્યારે બસ જીવનસિંહ વાળા ગામ પાસે પહોંચી ત્યારે નાળા ઉપરના પુલ પર ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ નાળામાં પડી હતી.
આ અંગે માહિતી મળતા જ ભટિંડા ડીસી શૌકત અહેમદ પારે અને એસએસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી તલવંડી સાબો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઘણા લોકોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.આ અકસ્માતની માહિતી મળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.તેની બાદ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Reporter: admin