શહેરના પૂર્વ ઝોનના પોલીસ મથકના પોલીસ કર્મીએ અન્ય પોલીસ મથકની હદમાં જઈને લાખો રૂપિયાનો તોડ કર્યા હોવાની ઘટનાને કારણે પોલીસ બેડામાં ચર્ચાનો દોર જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ ઝોનમાં આવેલ એક પોલીસ મથકના કર્મચારીએ પોતાના તાબાની પોલીસ મથકની હદ છોડીને કારેલીબાગ પોલીસ મથકની હદમાં પહોંચી જઈને ઓન લાઇન સટ્ટાના ગુના સબંધે એક વ્યક્તિ પાસેથી રોકડ રૂપિયા બાર લાખથી વધુ રકમનો તોડ કર્યાની ઘટનાએ પોલીસ વિભાગમાં ચર્ચા જગાવી છે. રાજ્યના દરેક શહેરમાં અને ગ્રામ્યમાં પોલીસ વિભાગની પોતાની નક્કી કરેલ હદ હોય છે. આ હદમાં જે પણ ગુનાઓ, અકસ્માતો કે ઘટનાઓ બનતી હોય છે તેને ધ્યાનમાં રાખીને પોલીસે સંબધિત કામગીરી કરવી પડતી હોય છે. ઘણી વખત હદની બાબતે પોલીસ કામગીરી પર અનેક સવાલો ઊભા થતા હોય છે ખાસ કરીને અકસ્માતના કેસોમાં કે હત્યાના ગુનામાં પોલીસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ હદનું ખૂબ મહત્વ વધી જતું હોય છે. પોતાના પોલીસ મથકની હદ છોડીને અન્ય પોલીસ મથકની હદમાં જઈને પોલીસે કરેલી કામગીરી પર અનેક સવાલો ઉભા થતા હોય છે. પોલીસ વિભાગમાં પોતાની ફરજ સ્થળની હદ છોડીને બેપરવાહ થઈને અન્ય પોલીસ મથકની હદમાં જઈને રૂપિયાનો તોડ કર્યાની ઘટનાઓ અનેકવાર સામે આવે છે. આ જ પ્રકારની એક ઘટનાએ વડોદરા પોલીસમાં હાલ તો ચર્ચાના એરણે ચડી છે.સુત્રોમાંથી મળેલ માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ છેવાડાના પોલીસ મથકના એક કર્મચારી દ્વારા કારેલીબાગ વિસ્તારમાં ઓનલાઇન સટ્ટાબેટિંગ કરનાર ઈસમ સાથે 12 લાખ રૂપિયાની રકમનો તોડ કર્યા હોવાની વિગતો સામે આવી છે
પૂર્વ વિસ્તારમાં આવેલ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા આ પોલીસ કર્મચારીએ કારેલીબાગ પોલીસ મથકની હદમાં એક ઈસમને ત્યાં દરોડો પાડ્યો હતો અને ઓનલાઇન સટ્ટા બેટીંગ કરતો હોવાના ગુનામાં ફસાવી દેવાની વાત કરીને તે ઈસમ પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે તોડ જે વ્યક્તિ સાથે કરવામાં આવ્યો છે એ વ્યક્તિ કારેલીબાગ પોલીસ મથકની હદમાં રહે છે જ્યારે તોડ કરનાર પોલીસ કર્મીની ફરજ અને પોલીસ મથક શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલુ છે. આમ પોતાની હદ બહારના વિસ્તારમાં જઈને આર્થિક લાભ મેળવવાના હેતુ સાથે પોલીસ કર્મીની આ કરતૂતે સમગ્ર શહેરના પોલીસ બેડમાં ચર્ચાએ ચડી છે. પૂર્વ વિસ્તારના પોલીસ મથકમાં ફરજ બજાવતા આ પોલીસ કર્મીએ તોડ કર્યાની ઘટનાની જાણ જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી છે ત્યારે આ આખી ઘટનાને રફેદફે કરવાના પ્રયાસો હાલ તો હાથ ધરાઈ રહ્યા છે. તોડ કાંડ મામલે પોલીસની છબી ખરડાઈ નહિ તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પડદા પાછળ તપાસ આરંભી છે. તોડ કાંડના મામલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કેવા પ્રકારના પગલાં ભરશે એ તો હવે આવનારો.સમય જ બતાવશે.પરંતુ આ ઘટના બાદ એટલું ચોક્ક્સ કહી શકાય કે ગુના નિવારણની બાબતમાં વિવિધ પોલીસ મથકોમાં હદને લઈને મન મોટાઉ રહે છે પરંતુ જ્યારે પોતાના આર્થિક લાભની વાત આવે તે માટે પોલીસ કર્મીઓને હદની મર્યાદા નડતી નથી હોતી.તેઓ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી હદની વ્યાખ્યાને પોતાની સમજ મુજબ સ્વીકારીને ફાયદો મેળવી લેતા હોય છે.હાલ તો પોલીસ કર્મી દ્વારા કરાયેલ મસમોટા તોડની વાતોથી શહેર પોલીસ તંત્રમાં હડકંપ મચ્યો છે..
Reporter: News Plus