News Portal...

Breaking News :

કાણાંવાળી નવી બોટનું રાતોરાત થાગડ થીગડ કરી, કૌભાંડને ઢાંકવાનો સપ્લાયર અને સીએફઓનો સહિયારો પ્રયાસ

2025-07-26 10:00:39
કાણાંવાળી નવી બોટનું રાતોરાત થાગડ થીગડ કરી,  કૌભાંડને ઢાંકવાનો સપ્લાયર અને સીએફઓનો સહિયારો પ્રયાસ


સીએફઓ, ગુરુઘંટાલ નીકળ્યો 
ફાયર બ્રિગેડના જવાનોનાં પણ જાન જોખમાય તેવું કૃત્ય ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે કર્યું છે. 
કેટલાક નેતાઓની પણ સંડોવણી પ્રાથમિક તબક્કે ખુલી છે..



આવા કૌભાંડોની પ્રાથમિક તબક્કાની તપાસમાં જ જો ખોટું જણાય તો તાત્કાલિક અસરથી વચગાળાના હુકમો કરી નશ્યત થાય તેવી કામગીરી કરવી જોઈએ..
સીએફઓ મનોજ પાટીલે 3.17 કરોડના ખર્ચે ફાયર બ્રિગેડ માટે વિવિધ પ્રકારના સાધનોની સુરતના સપ્લાયર પાસેથી ખરીદી કરી છે પણ પ્રકાશમાં આવ્યું છે કે આ સાધનોની ઉંચા ભાવે ખરીદી કરાઇ છે. જ્યારે વાસ્તવમાં આ સાધનોનો ઓનલાઇન બજારમાં ઓછી કિંમત છે અને તેમાં પણ સૌથી મહત્વની વાત એ છે કે આ સાધનો હલકી ગુણવત્તાના છે. ગુજરાતની અસ્મિતાએ ગત 19 જુલાઇએ જ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે સીએફઓ પાટીલે જે બોટ ખરીદી કરી છે તે હલકી કક્ષાની છે અને તેમાં કાણાં પડેલા છે જેથી જ્યારે પૂર સમયે ફાયરના જવાનો જો આ બોટ લઇને રેસ્ક્યુ કરવા જશે તો પહેલાં તો ફાયરના જવાનોનું જ રેસ્કયુ કરવું પડે શકે છે.  કાણાં પડેલા હોય તેવી નવી બોટની ખરીદી પાટીલે કરી છે. કોઈ સંસ્થાની રિજેક્ટ કરેલી બોટો પણ વડોદરા પાલિકાને પધરાવી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ મામલો બહાર આવતા સીએફઓ પાટીલે રાતોરાત સપ્લાયરને કહીને કાણાં પડેલી બોટમાં થીગડ થાગડ મારવાનું શરુ કર્યું છે. નાયર જેમ ટાયરમાં પંચર સાંધે તેમ આ બોટનો સપ્લાયર જાતે ઉભો રહીને કાણાં પડેલી બોટમાં થીગડ થાગડ કરી રહ્યો છે. નાયર જેમ ટાયર રીપેર કરે તેમ સપ્લાયરે બોટનું રીપેરીંગ કર્યું પણ આ બોટ તો હજુ મહિના પહેલા જ ખરીદેલી છે. તો તમારે તેને થીગડ થાગડ કરવાના બદલે તત્કાળ સપ્લાયર પાસે રીપ્લેસ કરાવવી જોઇએ પણ હજુ પણ સીએફઓ પાટીલ ફાયરના જવાનોની જાન સાથે રમત રમી રહ્યા છે. હવે સીએફઓ પાટીલની પોલ ખુલી ગઇ છે. ડે.કમિશનર ગંગાસિંઘ આ બાબતની તપાસ કરી રહ્યા છે તેમણે તત્કાળ નવા ખરીદાયેલા આ સાધનો અને તમામ ટેન્ડરની લઈ પેમેન્ટ થયા સુધીનાં તમામ દસ્તાવેજો સીલ કરી દેવા જોઇએ. નહીંતર આ વહિવટબાજો તેમાં પણ મોટી ગોલમાલ કરી શકે છે. જો પેમેન્ટ હજુ સુધી ના થયું હોય તો તાત્કાલિક અસરથી રોકાવી દેવું જોઈએ. ડે.કમિશનરે તપાસ કરવી જોઇએ કે આ માલનો જે સપ્લાયર છે તેણે રાજ્યની અન્ય કોર્પોરેશન કે નગરપાલિકામાં સાધનો વેચેલા છે કે કેમ અને તેને બ્લેક લિસ્ટ કરાયેલો છે કે કેમ? જો કે આ સપ્લાયરે કોર્પોરેશનને જે હલકી કક્ષાના સાધનો સીએફઓના મેળાપીપણામાં આપેલા છે તેને જોતાં તત્કાળ આ સપ્લાયરને બ્લેક લિસ્ટ કરી દેવો જોઇએ અને તેની સામે એફઆઇઆર પણ કરવી જોઇએ. આ ઉપરાંત સમગ્ર કૌભાંડમાં કોની દોરવણી છે અને કોના ઇશારે આ સપ્લાયરને ટેન્ડર અપાયો હતો તે અધિકારી અને નેતાની પણ તપાસ કરી તેની સામે પણ એફઆઇઆર કરવી જોઇએ. જ્યારે આ સાધનોની ખરીદી કરાઇ ત્યારે જ સાધનોનું ઇન્સ્પેક્શન કોણે કરેલું હતું ? તેની તપાસ કરાવવી જોઇએ.  થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરાવવું જરુરી છે. તો જ સમગ્ર કૌભાંડમાં ચોંકાવનારો પર્દાફાશ થઇ શકે છે. હવે તો કોર્પોરેશને 3.17 કરોડનો તમામ હલકી કક્ષાનો માલ સપ્લાયરને પાછો આપીને રકમ પરત લઇ લેવી જોઇએ. આ માલ પોતે બે નંબરમાં લાવ્યો છે કે કોઈ ઓથોરાઈઝ્ડ એજન્ટ પાસેથી બીલ સાથે લીધો છે તેની પણ ખરાઈ કરવી જોઈએ.



ઓળખી લો આ સપ્લાયરને
ફાયર બ્રિગેડના અધિકારી સાથેની સાંઠગાંઠમાં કરોડો રુપિયાના જીવ બચાવવાના સાધનો હલકી કક્ષાના આપી દેનારા સપ્લાયર સામે હવે કાયદાકીય રાહે પણ તપાસ કરાય તે જરુરી છે. સપ્લાયર અને ફાયરના અધિકારી વચ્ચે એવો તો કેવો સંબંધ છે કે સસ્તા ભાવના સાધનોને ઉંચા ભાવના રાખીને ખરીદી કરી લેવાયા છે તેની તપાસ થવી જરુરી છે. ડે કમિશનર ગંગાસિંઘની તપાસમાં વેગ આવે એટલે અમે આ ફોટા અહીં પ્રસિદ્ધ કરેલા છે. અમારી પાસે હજુ પણ આ કૌભાંડની સ્ફોટક માહિતી છે અને તે અમે તબક્કાવાર પ્રસિદ્ધ કરતા રહીશું 

સપ્લાયર સાથે ક્યા નેતા અને અધિકારીનું કનેક્શન ?
હલકી કક્ષાના સાધનો સપ્લાય કરવામાં સપ્લાયર સાથે ફાયર બ્રિગેડનો ક્યો અધિકારી, ક્યા મંત્રી અને કયા મોટા નેતાના ઇશારે આ સપ્લાયર પાસેથી સાધનોની ખરીદી કરાઇ તેની તપાસ થવી જરુરી છે અને તો જ હજુ હમણાં જ ફરજ ઉપર હાજર થયેલા  અને રાણાજીના પ્રતાપે અનુભવ અને લાયકાત વગર અધિકારી બની બેઠેલા ફાયર બ્રિગેડના અધિકારીનું કૌભાંડ ખુલીને બહાર આવશે. છેલ્લા દસ વર્ષથી ફાયર વિભાગમાં આ પ્રકારની ખરીદીનું ફોરેન્સિક ઓડિટ કરાવવું જોઈએ. જેથી આવો ગફલો અગાઉ પણ કર્યો હોય તો તે વાત આ તબક્કે બહાર આવવી જોઈએ.

Reporter: admin

Related Post