વડોદરા : જિલ્લાના પાદરા તાલુકામાં દર્દનાક ઘટના બની છે. પાદરાની ઢાઢર નદીના કોઝવે પરથી પસાર થતા કોટના ગામના ચાર સભ્યોના પરિવારની મોટરસાયકલ પાણીમાં વહેતી ગઈ હતી.
મળતા અહેવાલ પ્રમાણે પરિવાર સાસરીથી પરત આવતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા. તો બીજી તરફ સ્થાનિકોએ ઝડપથી કાર્યવાહી કરીને દંપતીને બચાવ્યા છે, પરંતુ બે નાના બાળકો હજુ પણ નદીમાં લાપતા છે. કોઝવે પર પાણીનો પ્રવાહ વધ્યો હોવાને કારણે અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ હાજર હતી.આ ઘટનાની જાણ થતાં જ કોટણા ગામના માજી સરપંચ રાજુ પઢીયાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને હિતેશ અને વૈશાલીબેનને બહાર કાઢી લીધા હતા. જોકે, તેમના બંને બાળકો પાણીના તેજ વહેણમાં તણાઈ જતાં ગુમ થઈ ગયા છે.
ઘટનાની જાણ થતાં જ વડુ પોલીસ તેમજ કરજણ અને વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ગુમ બાળકોની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિકોએ પ્રશાસનને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મગરનો ઉપદ્રવ પણ છે, જેના કારણે બચાવ કાર્યમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ ચોમાસા દરમિયાન કોઝવે પર ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. હિતેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
Reporter: admin







