દેવ એડવાઇઝર્સ જેવા ધુતારા, મજબૂર લોકોને ફોર્મ ભરાવીને 3 લાખ અપાવવા, 4500 રુપિયા ઉઘરાવે છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને ખબર જ નથી

અત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની હાલત અત્યંત કફોડી છે અને એક સાંધે ત્યાં તેર તૂટે તેવા હાલ છે. ખરાબ આર્થિક પરિસ્થિતી વચ્ચે પણ મધ્યમ અને ગરીબ વર્ગ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. સરકારે મધ્યમ અને ગરીબ વર્ગ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે પણ સરકારી અધિકારીઓ તથા નેતાઓની સાંઠગાંઠના કારણે એવા અનેક વચેટીયા ઘુસી ગયા છે કે જે ગરીબ અને મધ્યમવર્ગને સરકારી યોજના હેઠળ લોન અપાવાના નામે પૈસા ઉઘરાવી ગરીબ અને મધ્યમવર્ગ સાથે છેતપીંડી કરી રહ્યા છે. સરકારી અધિકારીઓને જાણ હોવા છતાં તેરી ભી ચુપ મેરી ભી ચૂપ થી બંનેનો કારભારો ચાલ્યા કરે છે. વડોદરા શહેર જિલ્લામાં આવા વચેટીયાઓ થકી મહા કૌભાંડ ચાલી રહ્યું છેહ જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં લોન કે સહાય અપાવવાનાં નામે લોકોને લૂંટી રહ્યા છે. આવા ધુતારા મોટું કૌભાંડ આચરી રહ્યા છે. વડોદરા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓને ખબર જ નથી તે સૌથી મોટી નવાઇની વાત છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બોજા હેઠળ જીવે છે અને સરકાર લોન આપે છે પણ વાસ્તવીક્તા અલગ છે. હવે વડોદરા જિલ્લામાં સરકારી સહાયની લોનના નામે લૂંટારા ઉભા થઇ ગયા છે. જેમાં મધ્યમ વર્ગીય લોકો છેતરાઈ રહ્યા છે. પોતાના એજન્ટો મોકલી પ્રોસેસ ફીના નામે 4500 ઉઘરાવે છે. ગરીબ અને જે મધ્યવર્ગ હોય જેને કોઈ યોજના- કાયદાનું ખબર ના હોય અને કોઇ કાર્યવાહી ના કરે તેવા લોકોને ટાર્ગેટ કરાય છે. દેવ એડવાઇઝર્સ નામનો એક શખ્સ છે જે લાડવાડાના નાકા ઉપર, બીજેપી ઓફિસ સામે, ગેંડી ગેટ રોડ પર ઓફિસ ધરાવે છે તે શખ્સ જિલ્લાના ગામડાઓમાં પોતાના એજન્ટો મોકલીને ગામડાનાં લોકોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન આપવાની વાતો કરીને ફોર્મ ભરાવીને પ્રત્યેક લાભાર્થી પાસે 4500 રુપિયા ઉઘરાવી રહ્યો છે. ખરેખર તો આ લોન સીધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અપાય છે અને કેન્દ્ર સરકારની યોજના હોય તો નેશનલાઈઝ્ડ બેંક દ્વારા આ લોન ચુકવામાં આવે પણ આ લેભાગુ તત્વો બજાજ ફાઇનાન્સનો સ્ક્રીન શોટ બતાવીને લોકોને છેતરી રહ્યા છે. આ એજન્ટો એવી પણ રમત રમે છે કે દરેક લાભાર્થી પાસે લોન મેળવવા માટે 4500 રુપીયા લઇ ફોર્મ ભરાવે પણ તેમને લાલચ આપે છે. અને જેનું ફોર્મ ભરે એને એવી લાલચ આપે છૅ કે તમે બીજા ત્રણ જણાના ફોર્મ ભરાવશો તો લોન પાસ થશે એમાં અમને 3 ટકા અમને મળે છૅ તેમાંથી 1 ટકા તમને મળશે જેથી લાલચ માં આવીને લાભાર્થી પોતાના સગાઓનાં ફોર્મ ભરાવે છે. જે ફોર્મ તમે ભરાવશો એમાં એક ફોર્મ દિઠ તમને એક હજાર રૂપિયા આપવામાં આવશે. નવાઇની વાત એ છે કે કેટલીક સ્કીમો તો બંધ છે છતાં આ લેભાગુ ધુતારા દેવ એડવાઇઝર્સ જેવા એજન્ટો તે સ્કીમના ફોર્મ ભરાવીને પણ 4500 ઉઘરાવે છે, આ લોકો એવા સામાન્ય અને સરળ લોકો કે જે બહુ ભણેલા નથી અને કાયદાની તથા સરકારી સહાયની જેમને જાણ નથી તેવા લોકોને જ ટાર્ગેટ કરે છે . દેવ એડવાઇઝર્સ જેવા ધુતારાઓએ વડોદરા જિલ્લાના આજુ બાજુ ગામડાઓમાંથી 500થી વધુ લોકો પાસેથી આ રીતે પૈસા ઉઘરાવી ઠગાઇ કરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. નવાઇની વાત એ છે કે આ ધુતારાઓએ તો મુદ્રા લોન પાસ કરાવાના નામે પણ લોકો પાસેથી 12 હજાર લીધેલા છે. વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યોને પણ આ ધુતારાઓની ખબર છે પણ તેઓ મૌન બનીને બેઠા છે અને ગરીબ અને મધ્યમ વર્ગ છેતરાઇ રહ્યો છે. હવે સમગ્ર મામલે પોલીસે સક્રીય બનીને તપાસ કરી આવા ધુતારાઓને જેલના સળીયા ગણાવવા જરુરી છે.
મારા જેવા કેટલાક લોકો આમાં ફસાયેલાં છે...
વડોદરા જિલ્લામાં હું રહુ છું. મે ચાર મહિના પહેલા ફેબ્રુઆરી મહિનામાં 4500 લોનનાં લોગીન માટે દેવ એડવાઇઝર્સ ને આપ્યા હતા. મારાં ગામમાં રહેતા એજન્ટ બેને મારું ફોર્મ ભરાવ્યું હતું. પણ હજુ સુધી મારી લોન થઇ નથી. મારા જેવા કેટલાક લોકો આમાં ફસાયેલાં છે જેથી પોલિસ ને કડક કાર્યવાહી કરવા વિનંતી છે.- ભોગ બનનાર

ઘણી સ્કીમો બંધ છે છતાં ધુતારા આ સ્કીમોના પણ ફોર્મ ભરાવી પૈસા લૂંટી રહ્યા છે
નવાઇની વાત એ છે કે જિલ્લાના ગામડે ગામડે ફરી સરકારી લોનના નામે પૈસા પડાવનારા આ લૂંટારા જે સ્કીમ ચાલું નથી તેના પણ ફોર્મ ભરાવીને પૈસા ઉઘરાવી રહ્યા છે . તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ચાલે છે તેમાં સુથારી કામ, નાવ બનાવાનું કામ કરનાર, અસ્ત્ર બનાવનાર, લુહાર, તાળુ બનાવનાર, હથોડા અને ટુલકીટ બનાવનાર, સોનાર એટલે કે સોની, કુંભાર, મુર્તીકાર અને પથ્થર કોતરણીકાર તથા મોચી કામ , કડીયાકામ, ટોપલી, ચટ્ટાઇ, સાવરણી બનાવનાર, પારંપરીક ઢીંગલી બનાવનાર અને રમકડા બનાવનાર, નાયી, માળા બનાવનાર અને ધોબી, દરજી તથા માછલીની જાળ બનાવાનું કામ કરનારને લોન અપાય છે પણ આ તમામમાંથી નાવ બનાવનાર, અસ્ત્ર બનાવનાર, તાળુ બનાવનાર, સોનાર સોની તથા મોચી કામ માટે સ્કીમ જ ચાલુ છે. બાકીની સ્કીમો બંધ છે છતાં લેભાગુ ધુતારા આ સ્કીમોના પણ ફોર્મ ભરાવી રકમ લૂંટી રહ્યા છે.
ધુતારાઓ કમિશનની લાલચ આપી અન્ય લોકાનાં ફોર્મ પણ ભરાવડાવે છે...
દેવ એડવાઇઝર્સ જેવા લેભાગુ વચેટીયાઓ પાછા સામાન્ય લોકોને જ ટાર્ગેટ કરીને તેમને જ બીજા લોકોને ફોર્મ ભરાવશો તો સારુ કમિશન આપીશું તેવી લાલચ આપી રહ્યા છે. ચોંકાવનારી માહિતી મુજબ આ ધુતારા વડોદરા જિલ્લાના ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોગઇન ચાર્જના નામે 4500 રુપિયા ઉઘરાવ્યા બાદ તે વ્યક્તિને લાલચ આપે છે તે લોન મંજુર થશે તો અમને 3 ટકા મળશે અને તમને 1 ટકા આપીશું પણ તેના માટે તમારે બીજા લોકોને પણ આ રીતે ફોર્મ ભરાવી લોગઇનના 4500 લેવા પડશે. કમિશનની લાલચે લોકો પોતાના સગાઓને ત્યાં જઇ તેમને સમજાવીને ફોર્મ ભરાવે છે અને 4500 રુપિયા આ ધુતારાઓના ખિસ્સામાં જાય છે.
લોકોને લોન પ્રોસેસ હોવાના ખોટા સ્ક્રીન શોટ બતાવાય છે...
આ લેભાગુ ધુતારાઓ પણ હોંશિયાર છે , થોડો સમય વીત્યા બાદ લાભાર્થી જ્યારે પોતાની લોન હજુ પાસ થઇ નથી અને લોનના રુપિયા મળ્યા નથી તેવી પૂછપરછ કરે ત્યારે તે ખાનગી બેંકો અને એનબીએફસી સંસ્થાઓના સ્ક્રીન શોટ બતાવે છે અને લોન હજુ પ્રોસેસ હેઠળ છે તેવો સ્ક્રીન શોટ બતાવે છે. અમારી પાસે એવો સ્ક્રીન શોટ છે જેમાં બજાજ ફાઇનેન્સ લિમીટેડ દ્વારા લોન પ્રોસેસ હોવાનું દેખાય છે પણ લોકોને એ ખબર નથી કે સરકારી સહાય કે લોન હોય તે માત્ર નેશનલાઈઝ્ડ બેંક ધ્વારા જ મળે છે. આ રીતે ખાનગી બેંક કે સંસ્થા દ્વારા નહી પણ ગામડાના લોકો પાસે માહિતી ના હોવાથી તે છેતરાઇ જાય છે અને લોકો પોતાની લોન પાસ થશે તેની રાહ જોઇને હજુ પણ બેસી રહ્યા છે.
આ યોજનાનું રજીસ્ટ્રેશન કોમન સર્વિસ સેન્ટરમાં કરવામાં આવે છે...
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ જેમને સહાય જોઇતી હોય તેમણે આધાર કાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ અને આધારકાર્ડ લીંક મોબાઇલ નંબર તથા સેવિંગ્સ ખાતાની વિગત ઉપરાંત પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ જેવા દસ્તાવેજો માંગવામાં આવે છે. આ યોજનાનું રજીસ્ટ્રેશન કોમન સર્વિસ સેન્ટરમાં (CSC) કરવામાં આવે છે જેથી લોકોએ આવા લેભાગુ એજન્ટોથી બચવું જરુરી છે.
લોકોની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવાઇ રહ્યો છે...
નવાઇની વાત એ છે કે આ લેભાગુ ધુતારા લોકો પાસેથી મુદ્રા લોન અપાવાના નામે પણ 12 હજાર ખંખેરી રહ્યા છે. લોકોને સરકારી સહાય માટે ક્યાં રજીસ્ટ્રેશન કરવું તથા કોનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરવું, કઇ યોજના હેઠળ કેટલી સહાય મળી શકે તેનું જ્ઞાન જ ના હોવાથી આવા લેભાગુ તત્વો ગામડાના લોકોને છેતરી રહ્યા છે. બીજી તરફ આ ધુતારાઓને ખબર છે કે જો આ લોકોને ખબર પણ પડી જશે તો તેમની પાસે યોગ્ય કાયદાકીય જ્ઞાન ના હોવાના કારણે તેઓ આગળ બહું કાર્યવાહી કરશે જ નહી અને તેથી તેઓ બિન્ધાસ્ત બનીને લોકોને લૂંટી રહ્યા છે.
દેવ એડવાઇઝર્સ શું સરકારે મંજૂરી આપી છે ?
આમ તો સરકારી સહાય માત્ર સરકારી કચેરીનો સંપર્ક કરીને જ મેળવી શકાય છે. સરકાર કોઇ ખાનગી વ્યક્તિને આવો ઠેકો આપતી નથી અને કદાચ જો આવો ઠેકો આપે તો સરકાર જાહેરાતો પણ કરે છે પણ આ દેવ એડવાઇઝર્સ નામનો એક શખ્સ છે જે લાડવાડાના નાકા પર બીજેપી ઓફિસ પાસે ગેંડી ગેટ રોડ પર ઓફિસ ધરાવે છે તે લોકોને સરકારી સહાય અપાવાના નામે ઠગી રહ્યો છે અને તેમની પાસેથી રુપિયા ઉઘરાવી રહ્યો છે. પોલીસે આવા ધુતારાઓ સામે તપાસ કરવી જોઇએ કે ખરેખ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આવા ધુતારાને પૈસા ખંખેરવાની મંજૂરી અપાઇ છે કે કેમ. દેવ એડવાઇઝર્સ જેવા ઘણા ધુતારા જિલ્લામાં લોકોને ઠગતા હશે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કુંભકર્ણની નિન્દ્રામાં છે. તેઓ તો માને છે કે પોતાની પાસે કોઇ ફરિયાદ આવે તો તપાસ કરાય. ખરેખર તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ અને અધિકારીઓની સામે પણ હવે તો શંકા જાય છે કે ક્યાંક તેમની તો મિલીભગત નથીને
હું તપાસ કરાવું છું...
અમે વિશ્વકર્મા યોજના માટે આવી કોઇ એજન્સી આપી નથી. લોકો સાથે ઠગાઇ થઇ હોય તેવી ફરિયાદ આવી નથી. છતાં હું તપાસ કરાવું છું.
મોરી, અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
Reporter:







