કારેલીબાગની વિઠ્ઠલકૃપા સોસાયટીના મકાનમાંથી દારુ સાથે બુટલગેરો પકડાયા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિઠ્ઠલકૃપા સોસાયટીમાં PCB પોલીસે રેડ કરી મકાન અને કારમાં સંતાડી રાખેલો રૂપિયા 2.36 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ઘટનાસ્થળ પરથી બુટલેગર સહિત બે આરોપીની ધરપક્ડ કરવામાં આવી છે. આ સાથે વિદેશી દારૂ, બે કાર અને મોબાઈલ મળી રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે કરીને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે. જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે. આ મકાન જયેશ પંચાલ નામના યુવકે ભાડે આપ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે કારેલીબાગ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. PCB પોલીસની ટીમ 6 જૂનના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષની પાછળ વિઠ્ઠલકૃપા સોસાયટી, બંગલા નં.બી-1માં રહેતો ભાવીન જાધવ પોતાના કબજામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી મળતીયા માણસો રાખી પોતાના વાહનો મારફતે વેચાણ કરે છે અને હાલમાં તેના મકાનમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ પડેલો જ છે. જેના આધારે PCB પોલીસે બાતમી મુજબના સ્થળ પર રેઇડ કરતા મકાનમાં તેમજ ફોર વ્હીલરમાં ભરી રાખેલો વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો. PCB દ્વારા સ્થળ પરથી ભાવિન દિલીપ રાવ જાદવ અને દેવ ઉર્ફે પ્રિન્સ વિપુલ ચૌધરીની ધરપકડ કરીને તેમની પાસેથી વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા 2.36 લાખ, બે કાર અને એક મોબાઇલ મળી રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. જ્યારે પિનેશ રાણા નહિ પકડાતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે બૂટલેગરો હવે દારૂના વેપલા માટે અલગ અલગ નુસખા અપનાવી પોલીસને ગુમરાહ કરે છે ત્યારે આ કિસ્સામાં કેમિકલ ડોલની આડમાં દારૂની બોટલો છુપાવી કોઈને ખબર ન પડે તે રીતે વેપલો ચાલતો હતો. આ અંગેની માહિતી મળતા પીસીબી ત્રાટકી હતી અને આ વેપલા અને સપ્લાયરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ જ પ્રકારે અગાઉ હરણી પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂના વેપલામાં આજ પ્રકારની ડોલનો ઉપયોગ કરાયો હતો ત્યારે પોલીસ તપાસ કરશે કે, આ જ આરોપીઓ છે કે અન્ય કોઈની સંડોવણી છે. મકામન માલિક જયેશ પંચાલ આ વિશે જાણે છે કે કેમ તેની પણ તપાસ શરુ કરાઇ છે.
મે ભાડા કરાર કરેલો છે...
મારા ઘરમાંથી સામાન પકડાયો છે. હું જવાબ લખાવવા અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યો છું. મે ભાડા કરાર કરેલો હતો અને તેમાં પેટીએમમાં મેનેજરની જોબ કરે છે તે જોબ પ્રુફ પણ આપેલું છે.
જયેશ પંચાલ, મકાન માલિક
જયેશ પંચાલ જવાબ આપવામાં થોથવાયો...
ગુજરાતની અસ્મિતા દ્વારા આ મામલે જયેશ પંચાલનો ટેલિફોનિક સંપર્ક કરાયો ત્યારે ફોન પર પ્રશ્ન સાંભળતા જ જવાબ આપવામાં થોથવાઇ ગયો હતો અને પોલીસને પુછીને કહું તેવા ગોળ ગોળ જવાબ આપ્યા હતા. તેણે કોને ભાડે આપ્યું હતું તે સવાલનો જવાબ પણ તેણે આપ્યો ન હતો.
Reporter: admin







