વડોદરા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અવિરતપણે જનભાગીદારી થકી વ્યાપક બની રહ્યું છે. આજરોજ વડોદરા જિલ્લામાં સ્વચ્છતાના વ્યવસાય સાથે જોડાયેલા સફાઈ મિત્રો માટે ખાસ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ અંતર્ગત વડોદરા તાલુકાનાં આસોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૫ જેટલા સફાઈમિત્રો અને તેમના પરિવારોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સફાઈ મિત્રોનું ખુબ જ મહત્વનું યોગદાન રહ્યું છે. આ અભિયાન અન્વયે આજે યોજાયેલા સફાઈ મિત્ર આરોગ્ય તપાસ કેમ્પ રાખવામાં ૫૫ કરતા વધુ સફાઈ મિત્રો અને તેમના પરિવારજનોનું બ્લડ પ્રેસર, સુગર, બી.એમ.આઇ. અને હિમોગ્લોબીન તપાસ કરવામાં આવી હતી. આ સાથે તપાસ બાદ સારવારની જરૂર પડી હોય તેવા સફાઈ મિત્રોને દવા તેમજ સારવાર આપવામાં આવી હતી.
આ ઉપરાંત કેમ્પમાં સફાઈ મિત્રોના આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ અને ડીગ્નીટી કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. વધુમાં સફાઈ મિત્રોની સલામતી માટે જરૂરિયાત મુજબ પી.પી.ઇ. કીટ આપવામાં આવી હતી અને સરકારની આરોગ્યને લગતી જુદી જુદી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.આમ, સ્વચ્છતા વીરોની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને સરકાર તેમના આરોગ્યની પણ દરકાર કરી છે. માત્ર અભિયાન દરમ્યાન જ નહિ પરંતુ સફાઈ વીરોનો વ્યવસાય જ સ્વચ્છતા સેવા સાથે જોડાયેલો ત્યારે તેમની તથા તેમના પરિવારના આરોગ્ય અને સુખાકારી માટે સરકાર વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી રહી છે તે ખુબજ મહત્વનું છે.
Reporter: admin