કારેલીબાગના વુડા સર્કલ પાસે એક આખો વ્યક્તિ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો..
વડોદરા શહેરમાં વગર ચોમાસાએ રોડ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. અકોટા બાદ હવે કારેલીબાગના વુડા સર્કલ પાસે એક આખો વ્યક્તિ સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે.

આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની તકલાદી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. સામાજિક કાર્યકરોએ આ મુદ્દે તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું કે, “ઉનાળાની ગરમીમાં વુડા સર્કલ પાસે ભ્રષ્ટાચારનો ભૂવો પડે તે શરમજનક છે. થોડા સમય પહેલાં આ જ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો. ત્યારે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ મેયર અને અધિકારીઓએ આવીને ભૂવાનું નિરાકરણ કર્યું હતું.પરંતુ, તેની બાજુમાં જ ફરી ભૂવો પડ્યો, જે દર્શાવે છે કે શહેરની તિજોરી ખાલી કરવાનું આ ષડયંત્ર છે.” પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના સમયમાં આખા શહેરમાં ખાડા ખોદાયા હોય તેવું લાગે છે. હવે નવા મ્યુનિસિપલ કમિશનર પાસે અપેક્ષા છે કે તેઓ આવા ભૂવા માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરે.” આ ઘટનાએ ફરી એકવાર કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. વારંવાર ભૂવા પડવા છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી ન થતાં નાગરિકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે હવે તંત્ર શું પગલાં લે છે, તેના પર સૌની નજર રહેશે.

ભ્રષ્ટાચારો ભુવો...
પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગત થી હલકી ગુણવતાની સામગ્રીનો વપરાશ કરી શહેરમાં બનાવવામાં આવેલ રાજમાર્ગો પર મોટા મોટા ભુવા પડવા એ તો હવે સામાન્ય વાત થઇ ગઈ છે અને વડોદરાના રાજમાર્ગો પર મોટા ભુવા પડવા નો સિલસિલો યથાવત છે. શહેરના અનેક સ્થળો પર મોતના કુવા સમાન મોટા મોટા ભુવા પડી રહ્યા છે. જેનાથી અકસ્માતો પણ સર્જાય છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે આજે વીવીઆઈપી પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી હોય કે કેન્દ્રના કોઈ પણ મંત્રી હોય તેમના આગમન થી ધમધમતા કારેલીબાગ વુડા સર્કલ પાસે ભર ઉનાળે ભુવો પડ્યો હતો આ ભુવો 3 ફૂટ ઊંડો અને 10 ફૂટ પોહોળો છે.


Reporter: admin