વડોદરા : અમદાવાદ શહેરમાં સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે, ત્યારે વડોદરાના વાડી બદરી મહોલ્લામાં રહેતા એક પરિવાર પણ આ આફતનો શિકાર બન્યો છે.
પૌત્રીનું મોઢું જોવા યુકે જઈ રહેલા 60 વર્ષીય મરીયમબહેન પણ ક્રેશ થયેલા પ્લેનમાં સવાર હતા, અને તેમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું હોવાની માહિતી મળી છે.વડોદરાના વાડી બદરી મહોલ્લામાં રહેતા અને ગેડીગેટ વિસ્તારમાં ટેલરિંગની દુકાન ચલાવતા ઇનાયતભાઈ પાદરીયાના પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના પુત્ર અબ્બાસ સિવિલ એન્જિનિયર છે અને દીકરી જેબાબહેનના લગ્ન મૂળ ફતેગંજમાં રહેતા મકસુર અલી સાથે થયા હતા. જેબાબહેન અને તેમના પતિ યુકેમાં સ્થાયી થયા છે. તાજેતરમાં જ જેબાબહેને એક સંતાનને જન્મ આપ્યો હતો, અને તેની ખુશીમાં જ જેબાબહેનના માતા મરીયમબહેન પોતાની પૌત્રીનું મોઢું જોવા માટે ગુરુવારે સવારે યુકે જવા નીકળ્યા હતા.
મરીયમબહેન વડોદરાથી નીકળીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ પ્લેનમાં બેઠા હતા. તેમના બે ભાઈઓ, પુત્ર અને પતિ તેમને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા ગયા હતા. મરીયમબહેનને પ્લેનમાં બેસાડી પરિવારજનો પરત વડોદરા આવી રહ્યા હતા, તે દરમિયાન જ પ્લેન ક્રેશ થયું હોવાની માહિતી મળતા તેઓ નડિયાદથી પરત અમદાવાદ દોડી ગયા હતા. પૌત્રીના જન્મની ખુશી લઈને યુકે જઈ રહેલા મરીયમબહેનનું આ પ્લેન દુર્ઘટનામાં કરુણ અવસાન થયું છે, ત્યારે પાદરીયા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
Reporter: admin