પુરુષોની ભાગીદારી દ્વારા પોષણ અને સંભાળ’ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો
પોષણ માહ-૨૦૨૫ ની ઊજવણી અંતર્ગત પોષણસભર જીવનશૈલીમાં પુરૂષોની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાના હેતુસર વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે સભાખંડમાં આજે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ દિપ પ્રજ્વલન કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ‘પુરુષોની ભાગીદારી દ્વારા પોષણ અને સંભાળ’ વિષય પર આયોજીત જિલ્લા કક્ષાના વર્કશોપમાં આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજીએ પોષણ ક્ષેત્રે પુરૂષોની ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડી વર્કશોપના હેતુની વાસ્તવિક જીવનના ઉદાહરણો સાથે સવિસ્તૃત સમજણ પૂરી પાડી હતી.જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ન્યુટ્રિશન, પ્રોજેક્ટ તુષ્ટિ, આઇ.આઇ.પી.એચ. ગાંધીનગર દ્વારા નાયારા એનર્જી લિમિટેડના સહયોગથી આયોજીત આ શિબિરમાં ડો. મૃણાલ મહેતાએ ‘વધુ વજન અને મેદસ્વિતા - ઊભરતો પડકાર’ વિષય પર ટેકનિકલ સત્ર આપ્યું હતું.

જ્યારે સંતોષકુમારી શર્માએ ‘બાળ પોષણ, સંયુક્ત સંભાળ તેમજ બાળપણની પ્રારંભિક સંભાળ અને શિક્ષણ’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. પાયલ મેઘાણીએ પુરૂષ ભાગીદારો માટે જ્ઞાન આકલન પ્રવૃત્તિ અને ઘરગથ્થુ સ્તરે ખાંડ, તેલ અને મીઠાના ઓછા ઉપયોગ માટેની પહેલ અંગે માર્ગદર્શન આપી ચર્ચા કરી હતી.આ વર્કશોપમાં જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા પુરૂષ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ પોષણને પારિવારિક જવાબદારી તરીકે સ્વીકારવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.




Reporter:







