વડોદરા: ગત ચોમાસા દરમિયાન પડેલા વરસાદમાં પશ્ચિમ ઝોનમાં ભાયલી અને સેવાસી વિસ્તારમાં વરસાદી ગટરનું નેટવર્ક નહીં હોવાથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં પાણીના નિકાલ માટે વોર્ડ નંબર 9 અને 10 માં ચાર સ્થળે આશરે 6 કિલોમીટર લાંબી 24 ઇંચ ડાયામીટરની 6.13 કરોડના ખર્ચે વરસાદી ગટર બનાવવાનું નક્કી કર્યું છે.
સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટે દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 10 માં ભાયલી વિસ્તારમાં આદિત્ય ગેલેરી થઈ ઋતુ સિલ્વરથી કેનાલ સુધી 68.50 લાખના ખર્ચે 600 મીટર લાંબી વરસાદી ગટર નખાશે. આ જ વોર્ડમાં સોલારીસ-2 પાસે ખોડીયાર ચોકડીથી એવરેસ્ટ અંતારા સુધી 650 મીટર લાંબી 77.99 લાખના ખર્ચે તેમ જ સોલારીસ-2 થી ભાયલી એસટીપી સુધી તથા સોલારીસ-2 થી સમિયાલા ચેનલ સુધી 2.53 કરોડના ખર્ચે 2800 મીટર લાંબી વરસાદી ગટર નાખવામાં આવશે.
વોર્ડ નંબર 9 સેવાસીમાં સ્થાપત્ય બંગલોઝ થી બાજપાઈ નગર થઈ અક્ષર પબ્લિક સ્કૂલ વાળા રસ્તે 2100 મીટર લાંબી 2.14 કરોડના ખર્ચે વરસાદી ગટરનું કામ કરવામાં આવશે. શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં મૂળભૂત સુવિધાના કામો કરવા સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવી છે, તેમાંથી આ કામગીરી કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે શહેરમાં હાલ 570 કિમીની લંબાઈમાં વરસાદી ગટરનું નેટવર્ક છે. વરસાદી ગટર દ્વારા પાણીનો નિકાલ વરસાદી કાંસમાં થતો હોવાથી તે પણ પહોળા અને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Reporter: admin