દિવસ ચઢતાની સાથે જ ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે.આ હીટવેટને કારણે શહેરમાં પ્રથમવાર ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. બીજી તરફ હવામાન વિભાગના મતે આવનારા બે માસ સુધી શહેરીજનોએ ગરમીમાં શેકાવું પડશે. આ ઉનાળાની શરૂઆતને લઈને પ્રતિદિન બજારમાં ફ્રુટ શેરડી અને બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગરમીના પારામાં સતત વધારો થતા શહેરીજનોએ બપોરે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. જ્યારે કોઈ કામ માટે ઘરની બહાર નીકળતા લોકો હવે ગરમીથી બચવા છાયડો શોધતા નજરે પડે છે. ગરમીને કારણે લોકો બરફના ગોળા શેરડીનો રસ તથા ફ્રુટ ખાતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ઉનાળાની શરૂઆત થતાની સાથે બરફ અને શેરડીના માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.ઘર વપરાશથી લઈને બરફનો વ્યવસાય કરતી તમામ આઇસ ફેક્ટરીઓ પર બરફ લેવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
બરફનું ઉત્પાદન કરતા વેપારી રાજા બચ્ચાની એ જણાવ્યું હતું કે અમારે ત્યાં પ્રતિદિન 20 ટનનું ઉત્પાદન કરીએ છીએ. જેમાં 70% બરફનું વેચાણ સહેલાઈથી થઈ રહ્યું છે. દરમિયાનમાં વાદળછાયું વાતાવરણ તથા માવઠાની આગાહીને કારણે બરફના વેચાણ પર અસર થતી જોવા મળી રહી છે. 140 કિલો બરફની લાદી હાલમાં ત્રણથી પાંચ રૂપિયા કિલોના ભાવથી વેચાઈ રહી છે.
Reporter: Amit Shah