વડોદરા જિલ્લાની પેરોલ ફર્લો ટીમને 15 વર્ષથી ફરાર હત્યાના આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી છે. આ ટાસ્ક ઘાસના ઢગલામાંથી સોઇ શોધવા જેવો પડકારજનક હતો.અમદાવાદના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં એક હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં બાબુરામ વિદેશીયારામ શર્માએ રિક્ષા પાર્કીંગ બાબતે પાડોશમાં રહેતી વ્યક્તિને તલવારનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે વર્ષ 2011માં બાબુરામ શર્માને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે વર્ષ 2013માં બાબુરામ શર્મા 14 દિવસની પેરોલ રજા મેળવી અને બાદમાં જેલમાં પરત હાજર થયો ન હતો. પેરોલ રજા મેળવતા સમયે બાબુરામે તેનુ સરનામુ પત્નીના પીયર વડોદરા જિલ્લાના પાદરાનુ હોવાનુ લખાવ્યું હતુ.
હત્યાનો આરોપી આ રીતે ખુલ્લેઆમ ફરતો હોય તે સમાજ માટે જોખમી અને પોલીસ માટે પડકારરૂપ હોવાથી વડોદરા જિલ્લાની પેરોલ ફર્લો ટીમે નક્કી કર્યું કે, હવે આને જેલ હવાલે કરીને જ પરત ફરવું છે. જેથી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો અને નાનામાં નાની માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ ટાસ્ક પુરો કરવા માટે પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઇ એ.આર મહિડા અને તેમની ટીમ છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા બાબુરામ શર્માને શોધવામાં દિવસ રાત એક કરી રહીં હતી.આ કામ એકલી વ્યક્તિથી શક્ય ન હતુ, જેથી ટેકનિક્લ ટીમની મદદ લેવામાં આવી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને અલ્પેશભાઇ દ્વારા ટેકનિકલ માહિતી એકત્ર કરવામાં મદદરૂપ બન્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બાબુરામ ગુજરાત છોડી અયોધ્યા ખાતો પોતાનુ હેર કટીંગ સલૂન ચલાવે છે. પરંતુ લાંબા સમયથી પોતાનુ નામ અને ઓળખ છુપાવવા તેણે પહેરવેશ બદલી ઉત્તર ભારતમાં ફરતો રહે છે. જેથી પંજાબ અને હરિયાણા તરફ ટીમો રવાના કરવામાં આવી હતી.
સતત સાત દિવસ સુધી હરિયાણા અને પંજાબમાં તપાસ કરતા હ્યુમન સોર્સ મારફતે જાણવા મળ્યું કે, બાબુરામ શર્મા રાજસ્થાનના જયપુર ખાતે કોઇ આશ્રમમાં કર્મકાંડી બ્રાહ્મણ બની નવો વ્યવસાય કરી પોલીસથી છુપાતો ફરે છે. 50 લાખની વસ્તી ધરાવતા જયપુરમાં એક વ્યક્તિ જે 11 વર્ષથી પોતાની સાચી ઓળખ છુપાવી રહેતો હોય તેનો શોધવા એટલે ઘાંસના ઢગલામાંથી સોઇ શોધવા જેવું હતુ. છતાંય પેરોલ ફર્લો ટીમે નક્કી કર્યું કે, બાબુરામને જેલ હવાલે કરીને જ રહીશું.અંદાજીત ચાર દિવસ સુધી પોલીસની ટીમ પહેરવેશ બદલી જયપુરના જુદા જુદા મંદિરો અને આશ્રમમાં ફરતી રહીં, આ સાતે સાધુઓના અખાડાઓ પણ પોલીસે ફેંદી માર્યા હતા. મંદિરમાં આરતીના સમયે પણ પોલીસ જુદા જુદા મંદિરોમાં પહોંચી જતી પણ કોઇ સફળતા મળી ન હતી.પોલીસ સતત સંતો અને મહંતો સાથે પરિચય કેળવી બાબુરામની શોધ કરી રહીં હતી. તેવામાં માહિતી મળી કે, બાબુરામ શર્માએ જયપુર આવી પોતાનુ નામ મહંત શંકરા નારાયણ રાખી પોતે બ્રાહ્મણ ન હોવા છતાં બ્રાહ્મણ બની કર્મકાંડી બ્રાહ્મણ તરીકે સવેતન સેવા પૂજાપાઠનો વ્યવસાય કરી રહ્યો છે.આટલી માહિતી પોલીસ માટે પુરતી હતી. જેથી જિલ્લા એલ.સી.બીની ટીમના કોન્સ્ટેબલ મહેશગીરી પાસેથી ટેકનિકલ સપોર્ટ મળતા ચાર દિવસની મહેનત બાદ પોલીસની ટીમે જાણવા મળ્યું કે, બાબુરામ શર્મા જયપુર નજીક આવેલા જામડોલી ગામ ખાતે એક મકાનના વાસ્તુ પૂજનમાાં ગયો છે. જેથી સ્થાનિક પોલીસને સાથે રાખી 11 વર્ષથી ફરાર બાબુરામ શર્માને દબોચી લેવામાં આવ્યો હતો.
Reporter: Amit Shah