News Portal...

Breaking News :

વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આર્યુવેદ દિવસની ભવ્ય ઉજવણી

2024-10-30 15:19:21
વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આર્યુવેદ દિવસની ભવ્ય ઉજવણી


ભારત સરકારના આયુષ મંત્રાલય તથા નિયામકશ્રી, આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિદર્શનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -૨૦૨૪ની ઉજવણી  “Ayurveda Innovation for Global Health” (વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા) થીમ સાથે કરવામાં આવી હતી. 


આ પ્રસંગે મશાલ રેલી અને ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી આયુષનો પ્રચાર જનસંદેશ,જનભાગીદારી તથા જનઆંદોલન દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચે તેને માટે સમગ્ર ટીમ આયુષ દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના કમાટીબાગ ખાતેથી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ મશાલ અને આયુષ ધ્વજ સાથે વિશાળ મશાલ રેલી યોજાઈ હતી જેમાં આયુર્વેદ સાંસદ ડો.હેમાંગભાઈ જોષી, ડે. મેયર, ડે. મ્યુનિસિપાલ કમિશનર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, કોર્પોરેટરઓ તથા સ્પોટર્સ ક્ષેત્રના સેલીબ્રીટીઓ જેવા કે મયુર સિંહજી ( ઇન્ટરનેશનલ બોક્સીંગ પ્લેયર) તથા રોનિત જોષી (યુની સાયકલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર) સહિતના મહાનુભાવો જોડાયા હતા.


સાંસદએ વડોદરા વાસીઓને આયુર્વેદ પધ્ધતિ અપનાવી સ્વાસ્થ્ય જાળવા અનુરોધ કર્યો હતો.ધનતેરસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ આયુષ દવાખાનાઓમાં ધન્વન્તરી પૂજન તથા સરકારી આયુર્વેદ દવાખાનું, રાવપુરા વડોદરા ખાતે જિલ્લા કક્ષાનું મહા ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, તેમજ જિલ્લા પંચાયત વડોદરાના અધિકારીઓએ ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞમાં સહભાગી થયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા તથા તમામ કાર્યક્રમોના મુખ્ય સંયોજક જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીએ નવમા આયુર્વેદ દિવસ ઉજવણી પ્રસંગે સૌ વડોદરા વાસીઓને આયુર્વેદના પોષણના સિંદ્ધાંતો સમજી અપનાવી સ્વાસ્થ્યનું સંવર્ધન કરવા અનુરોધ કરી દિપાવલી અને નવા વર્ષની શહેર જિલ્લાના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે.

Reporter: admin

Related Post