News Portal...

Breaking News :

સશક્ત રાષ્ટ્ર માટે 85+ મતદારોનો જુસ્સો; 85થી વધુ ઉંમરના વડીલો અને દિવ્યાંગોએ ઘરે બેઠાં મતદાન કર્યું

2024-04-26 10:45:06
સશક્ત રાષ્ટ્ર માટે 85+ મતદારોનો જુસ્સો; 85થી વધુ ઉંમરના વડીલો અને દિવ્યાંગોએ ઘરે બેઠાં મતદાન કર્યું

છોટાઉદેપુર જિલ્લામાં 443 મતદારોને હોમ વોટિંગ કરાવવા માટેની કામગીરી આરંભાઇ છે. જેમાંથી 255 મતદારોના ઘરે જઇ મતદાન કરાવાયું હતું. પહેલા દિવસે વિવિધ ટીમોએ આવા મતદારોના ઘેર પહોંચી બેલેટ પેપેરથી મતદાન કરાવ્યું હતું. 85 વરસથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોનો પણ જુસ્સો જોરદાર જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીને લાગતી તમામ કામગીરી ચોકસાઈપૂર્વક કરાઈ રહી છે

છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવારના રોજ 85 વરસથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોના ઘેર મતદાન કરાવવા માટેની ટીમો પહોંચી હતી. જિલ્લામાં ત્રણ અલગ અલગ વિધાનસભા હોઇ વિધાનસભાદીઠ આવી ટીમો બનાવવામાં આવી હતી. 85 વરસથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારો હોય અને તેઓ જો મતદાન મથકના બદલે પોતાના ઘેર બેસીને મતદાન કરવા ઇચ્છતા હોય તો તેઓએ એક ફોર્મ ભરવાનું હતું. જેના આધારે ચૂંટણી તંત્ર એમના ઘેર ટીમ મોકલે એ ટીમમાં માઈક્રો ઓબ્ઝર્વર, મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, પોલીસ તેમજ વીડિયોગ્રાફર હતા. ગુરુવારે પહેલા દિવસે જે મતદાર કદાચ ઘેર ન મળ્યા હોય તો તેમના ઘેર બીજી વખત પણ આ ટીમ જાય અને મતદાન કરાવે.

ટીમ દ્વારા મતદારના ઘેર પહોંચીને મતદાનની ગુપ્તતા જળવાય એ રીતે મતદાન કરાવ્યા બાદ સાથેની પેટીમાં સીલબંધ કવરમાં બેલેટ પેપર મૂકીને પેટીમાં નખાવતા હતા. છોટાઉદેપુર જિલ્લામાં હજી શુક્રવારે પણ અન્ય રૂટ ઉપર મતદાન કરાવવા માટે આ રીતે ટીમો જશે. મતદાન મથક ઉપર તો મતદારો પોતાનો જુસ્સો બતાવતા જ હોય છે. પણ પોતાના ઘેર બેલેટ પેપર લઈને મતદાન કરાવવા માટે આવતી ટીમ પાસે પણ એ જ જુસ્સા સાથે મતદારો મતદાન કરતા હતા.

Reporter: News Plus

Related Post