વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય સુધીરભાઈ ભાવેએ લગભગ દોઢ મહિનાની મહેનત બાદ 25 હજારના ખર્ચે એક અનોખી ઈલેક્ટ્રીક સાયકલ તૈયાર કરી છે. આ સાયકલમાં ચેઇન નથી છતાં પણ પેડલ મારીને ચલાવી શકાય છે. જેમાં આગળનું પૈડું મોટું અને પાછળનું પૈડું નાની સાઈઝનું છે. આ અનોખી સાયકલમાં સાયકલની સ્પીડ તથા ચાર્જિંગની માહિતી મળી રહે તે માટે ડિસ્પ્લે પણ મૂકવામાં આવ્યું છે અને આગળ એક નાનકડી લાઈટ અને હોર્નની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
નિવૃત્ત મિકેનિકલ એન્જિનિયર સુધીરભાઈ ભાવેએ જણાવ્યું કે, મને જુદા જુદા પ્રકારની સાઇકલ બનાવવાનો ખૂબ જ શોખ છે અને તેના માટે અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચ કર્યો છે. હું રોજના 10 થી 15 કિલોમીટર સાયકલ ચલાવવું છું. હું છેલ્લા 30 વર્ષથી સાઇકલ ચલાવુ છું અને હાલ નિવૃત્ત જીવન ગાળુ છું. જેથી મારા સમયના સદઉપયોગ માટે સાઇકલ્સ બનાવુ છું. આ પ્રકારની બેટરીવાળી સાઇકલ મેં પ્રથમ વખત બનાવી છે.
આ ઇ- સાઇકલની ખાસિયત એ છે કે, આ સાઇકલમાં ચેઇન નથી, પરંતુ પેડલથી પણ સાઇકલ ચલાવી શકાય છે. આ ઇલેક્ટ્રિક સાઇકલના પાછળના વ્હીલમાં 36 વોલ્ટની મોટર બેસાડી છે અને 36 વોલ્ટની બેટરી પણ લગાવી છે. આ સાઇકલને એકવાર ચાર્જીંગ કરો તો 50 કિ.મી. સુધી ફરી શકો. આ સાઇકલની સ્પીડ મેં પ્રતિ કલાક 20 કિ.મી. સુધી બાંધેલી છે. જેથી કરીને અકસ્માત ન થાય. આ સાઇકલને મેં અત્યાર સુધીમાં 300 કિ.મી. ચલાવી લીધી છે. સુધીરભાઈ એ ખાસ આ સાયકલ માટે અલગ અલગ સ્પેરપાર્ટસ બનાવ્યા છે. એમ તો આ ઇ - સાયકલ 25,000 ના ખર્ચે બની છે પરંતુ જો વધારે માત્રામાં આ સાયકલ બનાવવામાં આવે તો 18 થી 20 હજાર સુધીમાં બની શકે છે.
Reporter: News Plus