News Portal...

Breaking News :

રાજ્યની કુલ ૧૦૦ કરોડની પૂર રાહત સહાયમાંથી ૭૫ ટકા રકમ એક માત્ર વડોદરામાં જ ચૂકવાઈ

2024-10-18 16:58:26
રાજ્યની કુલ ૧૦૦ કરોડની પૂર રાહત સહાયમાંથી ૭૫ ટકા રકમ એક માત્ર વડોદરામાં જ ચૂકવાઈ


વડોદરામાં પૂરની આપત્તિની અસર ઓછી કરવા રાજ્ય સરકારના નિર્ણયો અને સૂચનાઓ પ્રમાણે જિલ્લા કલેકટર બીજલ શાહના સુકાન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે સંકલિત અને અસરકારક કામગીરી કરી છે. 


મુખ્યમંત્રીની સીધી સૂચનાથી ગુજરાત સરકારે આખા રાજ્ય માટે પૂર રાહત પેટે રૂ. ૧૦૦ કરોડની રકમ ફાળવી હતી. આ પૈકી લગભગ ૭૫ ટકા રકમ વડોદરાના પૂરપીડિતોને ચૂકવવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રે વ્યાપક કવાયતના ભાગરૂપે શહેરના પૂર પ્રભાવિત ૧૩ વોર્ડમાં ૧૬૦૦ જેટલી સોસાયટીઓનો સર્વે કર્યો હતો. તેના આધારે અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની પૂર રાહતો હેઠળ પ્રભાવિતોને રૂ.૭૪.૩૭ કરોડની કુલ સહાય ચુકવવામાં આવી છે. ૨૦૧૯ના પૂરની સરખામણીમાં તંત્રે ખૂબ વ્યાપક કામગીરી ૨૦૨૪માં કરી છે.૨૦૧૯માં કુલ સહાય રૂ. ૧૪.૪ કરોડ ચૂકવાયા હતા. આ બંને વર્ષની આપત્તિ બાદ તુલના કરવામાં આવે તો ૨૦૨૪ માં પાંચ ગણી વધુ સહાય ચૂકવવામાં આવી છે. આના પરથી રોકડ સહાય વિતરણનો અંદાજ લગાવી શકાય છે. તુલનાત્મક વિગતો પ્રમાણે ૨૦૧૯ માં વડોદરા શહેરી વિસ્તારમાં પુર અસરગ્રસ્ત ૩૨૮૫૫૦ વ્યક્તિઓને કેશડોલ ( રોકડ સહાય) પેટે રૂ.૫.૫૭ કરોડની ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે ૨૦૨૪માં ૩૬૦૦૦૮ લોકોને કેશડોલ પેટે રૂ.૯.૮૮ કરોડની ચુકવણી કરવામાં આવી છે.તે જ રીતે ૨૦૧૯માં જિલ્લાના ગ્રામ વિસ્તારના પૂરથી પ્રભાવિત ૧૨૭૩૨ લોકોને રોકડ રેલ રાહત તરીકે રૂ.૨૨ લાખ ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૨૪માં ૨૫૩૨૪ વ્યક્તિઓને રૂ.૫૨ લાખની રેલ રાહત રોકડ સહાય ચુકવવામાં આવી છે.


આમ, ૨૦૧૯ માં શહેર - જિલ્લામાં કુલ ૩૪૧૨૮૨ પ્રભવિતો ને મળેલી રૂ.૫.૭૯ કરોડની રોકડ રેલ રાહત સહાયની સામે ૨૦૨૪માં કુલ ૩૮૫૫૩૨ પ્રભાવિતોને રૂ.૧૦.૪૦ કરોડની રોકડ રેલ રાહત ચૂકવવાની વધુ વ્યાપક કામગીરી કરવામાં આવી છે.તે જ રીતે ૨૦૧૯ માં ઘરવખરી અને અન્ય નુકસાન સામે રાહતના રૂપમાં વડોદરા શહેરી વિસ્તારમાં ૭૧૭૬૭ ને રૂ.૧૪.૩૬ કરોડની ઘરવખરી અને કપડાં સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે ૨૦૨૪માં અસરગ્રસ્તોને રૂ.૩૫.૭૨ કરોડની ઉપરોક્ત સહાય ચુકવવામાં આવી છે. જ્યારે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ૨૦૧૯ માં ૨૦૭ વ્યક્તિ/ પરિવારોને રૂ.૪ લાખની ઘરવખરી - કપડાં સહાય ચૂકવાઈ હતી. જેની સામે ૨૦૨૪ માં ૯૮૮૫ વ્યક્તિ તથા પરિવારોને રૂ.૪.૯૪ કરોડ સહાયના રૂપમાં ચૂકવવામાં આવ્યા છે. તેમ કલેકટર શ્રી બીજલ શાહે જણાવ્યું હતું. આમ એકંદરે ૨૦૧૯ માં શહેર જિલ્લામાં કુલ ૭૧૯૭૪ વ્યક્તિ/ પરિવારોને ચૂકવેલી રૂ.૧૪.૪ કરોડની ઘરવખરી સહાયની સામે ૨૦૨૪ માં કુલ ૮૧૩૨૯ વ્યક્તિ/ પરિવારોને ઘરવખરી સહાયના રૂપમાં રૂ.૪૦.૬૬ કરોડની સહાય ચુકવવામાં આવી છે.૨૦૧૯માં નાના વેપારી એકમો/ વાણિજ્ય એકમો ને પૂર રાહતની ચુકવણીની જોગવાઇ ન હતી. ૨૦૨૪ માં રજૂઆતોને અનુલક્ષીને પૂર રાહત સહાયમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ ઉદ્દાત નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નવી પહેલ હેઠળ વડોદરા શહેરના પુર પ્રભાવિત ૧૨૦૨૭ એકમોને રૂ.૨૩.૩૧ કરોડની વાણિજ્ય એકમ સહાય ચૂકવીને રાહત આપવામાં આવી છે.

Reporter: admin

Related Post