પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેવાઈ છે.
રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી.પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં ૨૨મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત ૭ મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. ૨૦ દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરુ કરી હતી ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે, તેમ છતાં રજૂઆતની અવગણના કરીને આજે મૂર્તિઓ તોડી નાખવામાં આવી છે.
જૈન અગ્રણીઓનો આક્ષેપ છે કે મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સારી વાત છે પણ કોઇના ઇશારે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થઇ જોઇએ.પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવી છે, જેના પગલે જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈ રાત્રે રાવપુરા ટાવર ચાર રસ્તા ખાતે વડોદરા જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી અને બેઠક બાદ તમામ લોકો પાવાગઢ જવા માટે રવાના થયા હતા.
Reporter: News Plus