મુંબઈ : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી ઝડપાઈ ગયો છે. મુંબઈ પોલીસે હુમલાખોરને શનિવારે મોડીરાત્રે થાણેથી પકડી લીધો હતો.

30 વર્ષીય આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ હોવાનું સામે આવ્યું છે.રવિવારે બપોરે મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. મેજિસ્ટ્રેટે આરોપીને તેનું નામ પૂછ્યું અને પૂછ્યું કે શું તેને કોઈ ફરિયાદ છે. જ્યારે પોલીસે આરોપીના માથા પરથી કવર હટાવ્યું ત્યારે તેણે મેજિસ્ટ્રેટને પોતાનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ જણાવ્યું. ફરિયાદ પક્ષે મેજિસ્ટ્રેટ પાસેથી આરોપી માટે 14 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી, જેનો બચાવ પક્ષે વિરોધ કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે આરોપીને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો.
આરોપીની કસ્ટડી અંગે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ.જ્યારે મેજિસ્ટ્રેટે પૂછ્યું કે શું આરોપીનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ વકીલ છે, ત્યારે એક વકીલ આગળ આવ્યા અને પોલીસ પર આરોપ લગાવ્યો કે તેઓ તેમને આરોપી સાથે વાત કરવા દેતા નથી. બીજા એક વકીલે આગળ આવીને મેજિસ્ટ્રેટને કહ્યું કે તે લીગલ એઇડમાંથી છે અને આરોપીનું પ્રતિનિધિત્વ કરશે. મેજિસ્ટ્રેટે કહ્યું કે તમે બંને આરોપીનું પ્રતિનિધિત્વ કરી શકો છો, જેના પર બંને વકીલો સંમત થયા.મુંબઈ પોલીસના તપાસ અધિકારીએ મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે,આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો હતો અને એક્ટર અને અન્ય બે લોકો પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં સૈફને છરીના 6 ઘા મારવામાં આવ્યા હતા અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે એ શોધવું પડશે કે તે એક્ટરના ઘરમાં કેવી ઘુસ્યો?
Reporter: admin







