રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું.
ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.
અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
Reporter: News Plus