મૃત્યુ પામનારા ભારતીયો ઉમરાહ પઢવા માટે સાઉદી અરબ ગયા હતા
મક્કા: સાઉદી અરબમાં એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. એક ટેન્કર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ 42 ભારતીયોના મોતની આશંકા છે.
આ બસ મક્કાથી મદીના તરફ જતી હતી. આ અકસ્માતનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મૃત્યુ પામનારા ભારતીયો ઉમરાહ પઢવા માટે સાઉદી અરબ ગયા હતા. મોટાભાગના લોકો હૈદરાબાદના રહેવાશી હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે તેલંગાણા સરકાર દ્વારા રિયાધમાં આવેલી ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે અમે આ મામલે દિલ્હી સરકારને જાણ કરી દીધી છે. આ દરમિયાન ભારતીય દૂતાવાસે હેલ્પ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે જે બસનો ટેન્કર સાથે અકસ્માત થયો તેમાં ઉમરાહ પઢવા જનારા મુસ્લિમ શ્રદ્ધાળુઓ હતા. આ બસની ટક્કર થયા બાદ તે સળગી ગઈ હતી. આ મામલે તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે ઓવૈસીએ રિયાધમાં આવેલી ભારતીય એમ્બેસીમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન અબુ માથેન જ્યોર્જ સાથે વાતચીત કરી હતી જેમણે આ ઘટના વિશે તમામ માહિતીઓ એકત્રિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. પીડિતોના પરિજનોને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે તેલંગાણાના સચિવાલય દ્વારા કન્ટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે અને આ સાથે હેલ્પલાઈન નંબર 7997959754, 99129 19545 પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. દુર્ઘટનાને ધ્યાનમાં રાખી જિદ્દાહમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરી છે. વાણિજ્ય દૂતાાવાસે એક ટોલ ફ્રી નંબર 8002440003 પર જાહેર કર્યો છે.
Reporter: admin







