News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં પડેલા ૮૪ ભૂવાને પૂરવા ૩ હજાર ટ્રક ભરી માટી નંખાઇ

2024-10-15 18:16:19
વડોદરા શહેરમાં પડેલા ૮૪ ભૂવાને પૂરવા ૩ હજાર ટ્રક ભરી માટી નંખાઇ


તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે વડોદરા શહેરમાં પૂર બાદ પડેલા ૮૮ ભૂવાઓ પૂરવા માટે ત્રણ હજાર જેટલા ડમ્પર ભરીને માટી નાખવામાં આવી છે. 


આ માટીનું પ્રમાણ જોઇએ તો ત્રીસ હજાર ઘન મિટર થવા જાય છે. વરસાદ ટાણે જ પડી જતાં ભૂવાને રિપેરિંગ કરી માર્ગોને પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. આ ભૂવા પડે છે શા માટે ? એવો પ્રશ્ન સ્વાભાવિક ઉદ્દભવે ! આ પ્રશ્નોનો ઉત્તર આપતા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા કહે છે, વડોદરા શહેરમાં જૂની ગટર લાઇનો આરસીસીની બનેલી છે. હવે વરસાદી પાણી સાથે તેમાં કચરો ઉપરાંત માટી જવાથી શિલ્ટિંગ થાય છે. જે સ્થળે શિલ્ટિંગ ભરાયું હોય ત્યાં વરસાદી પાણી રોકાઇ રહે છે અને પાણીનું પ્રેશર વધે છે. વરસાદી પાણી જૂની લાઇન તોડીને બહાર આવે છે. એના કારણે આ ભૂવા પડે છે. આ ભૂવાને માટી નાખી દીધી ને બૂરી દીધા ! એવી રીતે કામ કરાતું નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે એવું કે, આ ભૂવાનું પૂરાણ કરવા માટે પહેલા ગટર લાઇનને રિપેર કરે છે. મશીનોનો ઉપયોગ કરી કચરો, માટી કાઢવામાં આવે છે. બાદમાં જૂની ગટર લાઇનને રિપેર કરવા માટે લોખંડની મોટી પાઇપ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. જેને એમએસ શેલ કહેવામાં આવે છે. 


ગટર લાઇનનું જોડાણ કરીને તેમાં સિમેન્ટ અને કોંક્રિટ નાખવામાં આવે છે. તેને થોડો સમય સૂકાવા દેવામાં આવે છે. બાદમાં માટી નાખી પૂરાણ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં આવેલા પૂર બાદ ૮૮ ભૂવા પડ્યા હતા. આ પૈકી ૮૪ ભૂવાને વડોદરા મહાપાલિકા દ્વારા દુરસ્ત કરવામાં આવ્યા છે. બાકીના ૪ ભૂવાનું રિપેરિંગ કામ ચાલું છે. ૮૪ ભૂવાને પૂરવા માટે મહાપાલિકા દ્વારા અંદાજે ત્રણ હજાર ડમ્પરના ફેરા કરી ત્રીસ હજાર ઘન મિટર જેટલી માટી નાખવામાં આવી છે. જો ત્રીસ હજાર ઘન મિટર માટીને એક સ્થળે નાખવામાં આવે તો નાનો પહાડ બની જાય ! હવે બીજી વાત ! ભૂવાના સ્થળે ગટર લાઇનને રિપેર કરવા માટે ૫૦૦ ઘન મિટર કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કોંક્રિટ બનાવવા માટે મહાપાલિકા દ્વારા ૮૦ આરએમસી મિલર મશીનને કામે લગાડવામાં આવ્યા હતા. આ મશીનમાં સિમેન્ટ અને કપચી મિક્સ કરવામાં આવે છે. આ ઉપરાંત ૩૬ મેટ્રીક ટનનો વજન ધરાવતા લોખંડના પાઇપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

Reporter: admin

Related Post