વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરપદે થી ડો.વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ તેમણે હજી પણ વાઈસ ચાન્સેલરનું સત્તાવાર નિવાસ સ્થાન ખાલી કર્યું નથી.ઉલટાનું તેમણે અહીંયા રહેવા માટે ૩ મહિનાનું એક્સ્ટેન્શન માંગ્યું હતું પરંતુ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટે નિયમોને આગળ ધરીને વધારે મુદત આપવાનો ઈનકાર કરી દીધો છે.
મળતી વિગતો પ્રમાણે તેમણે યુનિવર્સિટીને લેખિત વિનંતી કરીને બંગલામાં ત્રણ મહિના રહેવાની મંજૂરી માગી હતી.આ પ્રસ્તાવને પર પહેલા એક્ઝિક્યુટિવ કાઉન્સિલરમાં ચર્ચા થઈ હતી અને કાઉન્સિલે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જ તેના પર નિર્ણય લેવામાં આવે તેવો આગ્રહ રાખ્યો હતો.જેના પગલે આજે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી.
જેમાં તમામ સભ્યોએ ચર્ચા બાદ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે, યુનિવર્સિટીના સર્વસામાન્ય નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ યુનિવર્સિટીની નોકરી છોડે ત્યારે તેને યુનિવર્સિટીના ક્વાર્ટરમાં રહેવા માટે એક મહિનાનો સમય અપાતો હોય છે.આ જ રીતે ડો.શ્રીવાસ્તવ પણ તા.૮ ફેબુ્રઆરી સુધી બંગલામાં રહી શકે છે.પણ એ પછી તેમણે બંગલો ખાલી કરવો પડશે.આ માટે જરુર પડે તો તેમને બીજા ત્રણ ચાર દિવસ આપી શકાશે.બેઠકમાં એવું પણ નક્કી કરાયું હતું કે, તા.૮ ફેબ્રઆરી બાદ બંગલામાં કામ કરતા યુનિવર્સિટીના કર્મચારીઓને અન્ય જગ્યાએ ફરજ સોંપવામાં આવશે.
Reporter: admin