અમદાવાદ :બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક બુધવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો.
આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પતિ, પત્ની અને તેમના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યાના આસપાસ ઝાલોદ વિસ્તારનો એક પરિવાર બાઈક પર જઇ રહ્યો હતો. ત્યારે આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી એક બલેનો કાર સાથે બાઈકની ટક્કર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઈકમાં આગ લાગી ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા તેમની પત્ની અને બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ દુર્ભાગ્યે સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું. આમ, એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લેવાયો હતો.અકસ્માત સર્જીને બલેનો કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Reporter: admin







