News Portal...

Breaking News :

વડોદરા એસટી ડેપોના બેઝમેન્ટના પાર્કિંગમાં ૨૦૦૦ વાહનો ડૂબ્યા હોવાની આશંકા

2024-08-31 20:42:27
વડોદરા એસટી ડેપોના બેઝમેન્ટના પાર્કિંગમાં ૨૦૦૦ વાહનો ડૂબ્યા હોવાની આશંકા




ભારે વરસાદ પડવાની સાથે પૂર આવ્યા બાદ વડોદરા એસટી ડેપોમાં ભોંયરામાં પાર્કિંગ થયેલા સ્કૂટર અને કાર પૂરના પાણી માં ડૂબી ગયા હતા. એસટી ડેપો પાર્કિંગનુ સંચાલન કરતા કર્મચારીઓએ લોકોને ટુ-વ્હીલર લઈ જવા માટે મેસેજ કર્યા હતા. જોકે ઘણા લોકો ટુ-વ્હીલર અહીંયા મૂકીને બહારગામ ગયા હતા અને તેઓ પાછા ફરી શકે તેવી સ્થિતિમાં નહોતા. ત્રણ દિવસ પૂરની સ્થિતિ બાદ બેઝમેન્ટમાંથી પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. કુલ મળીને 14 પંપો મૂકવામાં આવ્યા છે પણ બેઝમેન્ટમાંથી પાણી ઓછુ થતું નથી. આમ સેંકડો વાહન ચાલકો પાણી નીકળે તો વાહનો કાઢવા માટે રાહ જોઈને બેઠા છે.



આ કામગીરીનુ સંચાલન કરી રહેલા રણવીરસિંહ સીસોદીયાએ કહ્યું હતું કે, કેટલા વાહનો હજી અંદર છે તેનો અંદાજ તો પાણી નીકળ્યાં પછી જ આવશે. અમે આજે તો વધારે શક્તિશાળી પંપ મૂકયા છે પણ પૂરનુ પાણી ઘણું વધારે છે. આજે રાત સુધીમાં પાણી ખાલી થાય તેવી આશા છે.



વિશ્વામિત્રીના પૂરના પાણી બાદ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. સેન્ટ્રલ એસટી ડેપો પણ આ જ વિસ્તારમાં આવેલો છે અને એસટી બસોનો ઉપયોગ કરતા ઘણા મુસાફરો માટે તથા એસટી ડેપોની ઉપર આવેલા મલ્ટીપ્લેક્સ માટે બેઝમેન્ટમાં પાર્કિંગ એરિયા બનાવાયો છે. અહીંયા બે લેવલમાં પાર્કિંગ છે તેમજ પાર્કિંગની ક્ષમતા 2000 વાહનોની છે.

Reporter: admin

Related Post