જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના ૯૪ અને પંચાયત હસ્તકના ૨૧ નાનામોટા બ્રિજનું વિવિધ ટીમો દ્વારા નિરીક્ષણ

કોઇ બ્રિજમાં રિપેરિંગ, વેજીટેશન, પેચવર્ક, ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝન આપવા સહિતની બાબતોની કામગીરી કરવા સૂચના
મુજપૂર પૂલ દુર્ઘટના બાદ સલામતીના ભાગ રૂપે વડોદરા શહેર અને જિલ્લામાં તમામ બ્રિજની ઝૂંબેશના સ્વરૂપે ચકાસણી કરવામાં આવી છે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ એક આદેશ કરી જુદી જુદી ટીમોની રચના કરી હતી અને આ ટીમોને બે દિવસમાં તમામ પૂલોની ચકાસણી કરવાની કામગીરી સોંપી હતી. ટીમો દ્વારા આપવામાં આવેલા અહેવાલને અનુરૂપ કામગીરી કરવામાં આવશે. વડોદરા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના ૯૪ અને પંચાયત હસ્તકના ૨૧ નાનામોટા બ્રિજ છે. આ તમામની ચકાસણી કરવા માટે કલેક્ટર દ્વારા નાયબ કલેક્ટરના નેતૃત્વમાં ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ટીમોને બે દિવસમાં આ કામગીરીની પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. ચકાસણી કરવામાં આવેલા પૂલોની તાલુકાવાર સંખ્યા જોઇએ તો વડોદરા તાલુકામાં ૨૫, પાદરામાં ૫, કરજણમાં ૧૩, શિનોરમાં ૮, ડભોઇમાં ૧૭, વાઘોડિયામાં ૨૫, સાવલીમાં ૧૭ અને ડેસર તાલુકામાં ૫ મળી કુલ ૧૧૫ પૂલોની ચકાસણી કરવામાં આવી હતી. મેજર અને માઇનોર પ્રકારના આ પૂલોની નાયબ કલેક્ટર તથા માર્ગ અને મકાન વિભાગના તજજ્ઞ અધિકારીઓ દ્વારા વિવિધ પાસાઓને ધ્યાને રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી બે દિવસમાં પૂર્ણ કરી તેનો અહેવાલ સોંપવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોઇ બ્રિજમાં રિપેરિંગ, વેજીટેશન, પેચવર્ક, ટ્રાફિક ભારણ ઘટાડવા, ડાયવર્ઝન આપવા સહિતની બાબતોની ભલામણો કરવામાં આવી છે. તે મુજબની કામગીરી આગામી દિવસમાં કરવામાં આવશે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ ડભોઇ સહિતના તાલુકાના બ્રિજની મુલાકાત લીધી હતી.



Reporter: admin







