વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨૬મીને બુધવારે મહાશિવરાત્રીના શુભ પર્વે મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ વડોદરાના કૃષ્ણકાંતભાઇ શાંતિલાલભાઇ પટેલ તથા પરિવારના યજમાનપદે ૧૧૦૦ કિલો શક્કરિયા ઉત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે સવારે ૮-૦૦ થી સાંજે ૬-૦૦ કલાક દરમ્યાન ઉજવાયો હતો.

શિવરાત્રીના પર્વે હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.શક્કરીયા ઉત્સવની માહિતી આપતા કોઠારી ડો.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને શિવ, ગણપતિ, પાર્વતી સૂર્ય અને વિષ્ણુ એમ પાંચ દેવોનીપૂજા કરવાની શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. મહાશિવરાત્રીના દિવસે મંદિરના પ્રવેશદ્વારે આવેલ પ્રસાદીના શિવગણનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પૂજન અર્ચન કર્યું હતું. જ્યારે રાત્રીના ૮ થી ૧૨ વાગ્યા સુધી શિવપુજા, દુગ્ધાભિષેક, લઘુરૂદ્રીના પાઠ કરવામાં આવ્યા હતા.
મંદિરમાં બિરાજતા દેવોને ૧૧૦૦ કિલો શક્કરિયા ધરાવી શક્કરિયા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરમાં બિરાજતા દેવોને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યા હતા. વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વડોદરાના કૃષ્ણકાંતભાઇ શાંતિલાલભાઇ પટેલ તથા પરિવાર દ્વારા આ યજમાનપદ સહર્ષ સ્વીકારવામાં આવેલ હતું. સમગ્ર ઉત્સવનું સંચાલન શ્યામવલ્લભસ્વામી તથા કાર્યકર્તાઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
Reporter: admin