News Portal...

Breaking News :

સ્વચ્છતા અભિયાન માત્ર નામનું, ફોટો શેસન માટે કુછ ભી કરેગા

2024-06-06 18:22:45
સ્વચ્છતા અભિયાન માત્ર નામનું, ફોટો શેસન માટે કુછ ભી કરેગા


શહેરના દરેક અંતિમ ધામ નશાખોરીના ધામ બની ગયા છે. વડોદરા શહેરમાં હાલમાં સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો શેસન માટે હોય તેમ લાગી રહ્યું છે.


નવી સાડી અને લાલી લિપસ્ટિક કરી અને પુરુષો ઈસ્ત્રી ટાઈટ કપડાં સાથે હાથમાં ઝાડુ પકડી એ રીતે સાફ સફાઈ કરી રહ્યા છે કે કપડાને એક પણ કરચલી ન પડે.પોતાનો ઝાડુ પકડેલો ફોટો બરાબર આવે છે કે કેમ તેની બરોબર તકેદારી રાખવામાં આવે છે. 1 જુનથી 15 જૂન સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ કરવામાં  આવી રહી છે. જો કે વરવી  વાસ્તવિકતા એ છે કે તે માત્ર દેખાડા પૂરતી છે. અને શહેરના અનેક વિસ્તારો ગંદકીથી  ખદબદી રહયા છે. ખાસ કરીને શહેરના તમામ સ્મશાનોમાં અપાર ગંદકી જોવા મળી રહી છે. અને આ અંતિમ ધામ નશાખોરીના ધામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના એક જાગૃત ગ્રુપ દ્વારા આ અંગે મેયરને પણ રજુઆત કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં  સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો. અને પાલિકાએ એક લાંબુ લચક લિસ્ટ  પણ બનાવી એક્શન પ્લાન ઘડી નાખ્યો. શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓને પણ તેમાં જોડયા અને શહેરને સ્વચ્છ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી. પરંતુ શું સાચા અર્થમાં શહેરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે? જો પાલિકાના સત્તાધીશો પણ પોતાની જાતને આ સવાલ પૂછશે તે જવાબ ના જ મળશે. કારણ કે તેઓને પણ ખબર છે કે તેઓએ બનાવેલો એક્શન પ્લાન કેટલો સફળ થયો છે.


શહેરની એક જાગૃત સંસ્થા વડોદરા વિકાસ સેના ટીમ, દ્વારા મંગલેશ્વર (માંજલપુર) મુક્તિધામ, અકોટા મુક્તિધામ, રામનાથ (ગાજરાવાડી) મુક્તિધામ, ખાસવાડી મુક્તિધામ વગેરે જગ્યાએ સ્થળ તપાસ, કરવામાં આવી જેમાં માલુમ પડયું કે,.. ત્યાં ખુબ જ વધુ પ્રમાણમાં ગંદકી ફેલાયેલી છે. અંત્યેષ્ઠીનો સામાનનો ઢગલા પડી રહે છે. મુકિતઘામમાં ઠેરઠેર દેશી દારૂની પોટલીઓ, ઈગ્લીશ દારૂની ખાલી બોટલો, ઈન્જેકશનના ખાલી પેકેટો, કફ સીરપની બોટલો પડી  છે. મુકિતધામમાં સ્વચ્છતા થતી નથી. ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા ખોરવાઈ ગયેલી  છે. પાણી પીવાની સુવિધા પણ નથી, ચિતાઓ તૂટી ગયેલ છે. સફાઈ સેવકો મૂકેલા નથી. સિક્યુરીટીના માણસો પોતે જ દારૂ પીને બેસતા હોય છે.સી.સી.ટી.વી કેમેરા લાગેલા નથી. શહેરના દરેક મુકિતધામના આ હાલ છે તો શુ પાલિકાએ મુક્તિધામને સાફ કરવાનો કોઈ એક્શન પ્લાન ઘડ્યો છે ખરો?  આ અંગે ગ્રુપના સભ્યોએ મેયરને પણ જાણ કરી હતી. અને રજૂઆત કરી હતી. ત્યારે પાલિકા માત્ર કરવા પૂરતી કામગીરી કરવાને બદલે સાચા અર્થમાં કામગીરી કરે તે જરૂરી છે.

Reporter: News Plus

Related Post