News Portal...

Breaking News :

કલાથી પેટ નથી ભરાતું—આ માન્યતાને તોડી આત્મનિર્ભર બનેલા વડોદરા જિલ્લાના નીલમ શાહ

2025-12-19 15:54:51
કલાથી પેટ નથી ભરાતું—આ માન્યતાને તોડી આત્મનિર્ભર બનેલા વડોદરા જિલ્લાના નીલમ શાહ


છેલ્લા ૧૦ વર્ષથી પોતાના શોખને પ્રોફેશન બનાવનાર સામાન્ય ગૃહિણી આજે છે પ્રોફેશનલ પેઇન્ટર અને કેન્ડલ મેકર
મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતાં વિવિધ કાર્યક્રમો અને મેળાઓમાં નિઃશુલ્ક સ્ટોલ ફાળવણીથી અનેક બહેનોને પોતાનું પેશન પ્રોફેશન બનાવવાનું પ્રોત્સાહન મળ્યું છે.
૧૦૦% સોયા મીણથી બનેલી ઇકો-ફ્રેન્ડલી મીણબત્તીઓ—૧૦૦થી વધુ પ્રકારોમાં છે નિષ્ણાત
સ્કિલ અને પેશન જ્યારે ભેગા થાય છે ત્યારે સફળતા મળે છે.” — નીલમ શાહ
સંકલન: વૈશાલી પરમાર

વડોદરા, તા.૧૯: કલાથી પેટ નથી ભરાતું’ એવી માન્યતાને તદ્દન ખોટી સાબિત કરતા વડોદરા જિલ્લાના નીલમ શાહ આજે પેઇન્ટીંગ અને કેન્ડલ મેકિંગ દ્વારા સફળ આવક મેળવી રહ્યા છે અને અન્ય મહિલાઓને પોતાનું પેશન ફોલો કરવા પ્રેરણા આપી રહ્યા છે.આજથી અંદાજે ૨૦ વર્ષ પહેલાં નીલમ શાહ એક સામાન્ય ગૃહિણી હતા. પેઇન્ટીંગ પ્રત્યેનો ઊંડો શોખ અને પરિવાર તથા મિત્રોના પ્રોત્સાહનથી તેમણે પોતાના શોખને પ્રોફેશન બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. સતત મહેનત અને લગનના પરિણામે છેલ્લા ૧૦ વર્ષથી તેઓ સફળતાપૂર્વક પ્રોફેશનલ પેઇન્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે. ઉપરાંત, છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પાર્ટનર સાથે મળીને ફેન્સી કેન્ડલ મેકિંગનો વ્યવસાય પણ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. પોતાની સિદ્ધિઓ દ્વારા તેઓ વડોદરા જિલ્લાની અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બન્યા છે.વડોદરાના ઓ.પી. રોડ પર તેમના બિઝનેશ પાર્ટનર નેહા શાહ સાથે મળી ‘NlighteN Kraft’ નામે સ્ટુડિયો ચલાવે છે, જ્યાં કેન્ડલ મેકિંગ તથા પેઇન્ટીંગનું કાર્ય થાય છે. ‘Jini Arts’ નામે તેઓ કેનવાસ પેઇન્ટીંગ કરે છે—જેમાં એક્રેલિક, ઓઇલ, સિરામિક તથા ટેક્સચર પેઇન્ટીંગનો સમાવેશ થાય છે. લેન્ડસ્કેપ, ફિગર, મોડર્ન કન્ટેમ્પરરી, ધાર્મિક અને ફ્લોરલ પેઇન્ટીંગમાં તેઓ વિશેષ કુશળતા ધરાવે છે અને ગ્રાહકની માંગ મુજબ કસ્ટમાઇઝ્ડ પેઇન્ટીંગ પણ તૈયાર કરે છે.‘NlighteN Kraft’ ખાતે ૧૦૦% સોયા મીણથી બનેલી ઇકો-ફ્રેન્ડલી સુગંધિત મીણબત્તીઓના ૧૦૦થી વધુ પ્રકારો બનાવવામાં અને વેચવામાં આવે છે. કાચના જાર, શુદ્ધ પિત્તળ, માર્બલ, હેન્ડમેઇડ લાકડું, સિરામિક, ટેરાકોટા, પિલર, જેલ કેન્ડલ્સ તેમજ કસ્ટમાઇઝ્ડ સબજેક્ટિવ અને કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સ પણ અહીં ઉપલબ્ધ છે. 

યુવાનોમાં લોકપ્રિય કેન્ડલ ફ્લાવર મોલ્ડ્સ, ફ્લાવર બુકે, હેન્ડમેઇડ લાકડાની ટ્રે હેમ્પર્સ અને કેન્ડલ હોલ્ડર્સ પણ બનાવવામાં આવે છે. જેની કિંમતો રૂ.૫૦થી શરૂ થઈ રૂ.૫૦૦૦ સુધી હોવાથી દરેક બજેટને અનુરૂપ વિકલ્પો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વિવિધ એનજીઓ ખાતે નીલમ શાહ દ્વારા નિઃશુલ્ક કેન્ડલ મેકિંગ તાલીમ પણ આપવામાં આવે છે. તેઓ પોતાની વેબસાઇટ https://nlightenkraft.com/ અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ @NlighteNKraft અને @jini_arts થકી પણ લોકોમાં નામના મેળવી રહ્યા છે.કેનવાસ આર્ટીસ્ટ અને કેન્ડલ આર્ટીંસ્ટ નીલમ શાહ પોતાના અનુભવ અંગે જણાવે છે કે, “સ્કિલ અને પેશન જ્યારે ભેગા થાય છે ત્યારે સફળતા મળે છે.” મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતાં વિવિધ કાર્યક્રમો અને મેળાઓમાં નિઃશુલ્ક સ્ટોલ ફાળવણીથી તેમને તથા અનેક બહેનોને પોતાનું પેશન પ્રોફેશન બનાવવાનું પ્રોત્સાહન મળ્યું છે. તેમણે ગુજરાત સરકાર તથા સ્થાનિક તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરી અન્ય મહિલાઓને પોતાના ખાલી સમયનો સદુપયોગ કરીને પેશનને પ્રોફેશન બનાવવા અપીલ કરી હતી.મહિલા-નેતૃત્વ વિકાસ, ગ્રામિણ આજીવિકા અને સ્વદેશી બ્રાન્ડ્સના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ દિશામાં આત્મનિર્ભર ભારતના વિઝન સાથે રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન તા. ૧૧ થી ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં તા.૨૦, ૨૧ અને ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન અકોટા સ્ટેડિયમ ખાતે ત્રણ દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન થશે. આ મેળામાં નીલમ શાહ સહિત વિવિધ વિભાગોના કુલ ૧૦૦ સ્ટોલ રહેશે. મહિલાઓના ઉત્પાદનોની ખરીદી દ્વારા તેમને આર્થિક રીતે પગભર બનાવવા માટે આ એક ઉત્તમ તક છે.



Reporter:

Related Post