શહેર પોલીસ કમિશનર અને સમગ્ર શહેર પોલીસની ટીમને અભિનંદન

આખરે રંગેચંગે શહેરમાં ગણેશ મહોત્સવ અને ગણેશ વિસર્જનના કાર્યક્રમો પૂર્ણ થયા છે. આ ઉપરાંત ઇદનો તહેવાર પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો. બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયા તેનો સંપૂર્ણ શ્રેય શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશનર ડો.લીના પાટીલ, તમામ ઉચ્ચ અધિકારીઓ અને સમગ્ર શહેર પોલીસને જાય છે.શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને બંને તહેવારો શાંતિથી ઉજવાય તે માટે અથાગ પ્રયાસો કર્યા હતા. રાત દિવસ ઉજાગરા કરીને શહેર પોલીસે શહેરમાં કોઇ પણ અનિચ્છનિય ઘટના ના બને તેનું સતત ધ્યાન રાખ્યું હતું અને ગુનાહીત ભુતકાળ ધરાવતા તત્વો પર બાજ નજર પણ રાખી હતી. શરૂઆતમાં એક બનાવ બન્યો હતો પણ પોલીસે ગણતરીનાં દિવસોમાં આ આરોપીઓને પકડી લીધા હતા અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.હજુ તપાસ ચાલુ છે.પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના બનાવમાં પોલીસે મોટાભાગના આરોપીઓને બે દિવસમાં જ પકડી લીધા હતા. જેમાં પોલીસની સતર્કતા જોવા મળી હતી અને તેના કારણે ગણેશ મહોત્સવના દિવસ અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો. ઇદનો તહેવાર પણ શાંતિપૂર્ણ રીતે ઉજવાયો હતો.
શહેર પોલીસની પ્રશંસા ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશના દર્શન કરવા આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કરી હતી.
તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયા તે શહેર પોલીસની મોટી ઉપલબ્ધી છે અને તે માટે શહેર પોલીસને અભિનંદન.
વહેલી સવાર સુધી શહેર પોલીસ ખડે પગે રહી
વડોદરા શહેર પોલીસ આખી રાત વિવિધ વિસ્તારોમાં ખડે પગે રહી હતી. કારણકે મોડી રાત સુધી અને રવિવાર વહેલી સવાર સુધી ઘણા સ્થળોએ ગણેશ વિસર્જન ચાલ્યું હતું શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થાય તે માટે શહેર પોલીસના તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ સ્થળ પર રહીને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. શહેર પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપી રહ્યા હતા. વહેલી સવાર સુધી ચાલેલા ગણેશ વિસર્જન દરમિયાન પોલીસે કોઈપણ ઘટના ન બને તેની પૂરતી કાળજી રાખી હતી. શહેર પોલીસની ગાડીઓ આખી રાત વિવિધ વિસ્તારોમાં ફરતી રહી હતી અને પોલીસ અધિકારીઓ વિવિધ સ્થળો પર હાજર રહીને ગણેશ વિસર્જન યાત્રાઓને માર્ગદર્શન આપતા હતા. શહેર પોલીસે સરાહનીય ફરજ બજાવી છે.
Reporter: admin







