બેગુલુરું : કર્ણાટકની એક સરકારી કોલેજમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ દ્વારા લાંબી દાઢી રખાતા વિવાદ ઉભો થયો છે.
આ અંગે જમ્મુ કાશ્મીર સ્ટૂડન્ટ અસોસિએશને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખીને વિદ્યાર્થીઓને મદદ કરવાની અપીલ કરાઇ છે. જ્યારે સરકારનો દાવો છે કે મામલાનું નિરાકરણ લાવી દેવાયું છે અને વિદ્યાર્થીઓને હવે કોઇ ફરિયાદ નથી. કર્ણાટકના હાસન જિલ્લાના હોલેનરસીપુરામાં આવેલી નર્સિંગ કોલેજમાં આશરે ૪૦ જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી આશરે ૨૪ વિદ્યાર્થીઓને કોલેજ પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે જો તમારે કોલેજની ક્લિનિકલ તેમજ અન્ય પ્રવૃત્તિમાં સામેલ થવું હોય તો દાઢીને ટ્રિમ કરવી પડશે અને લાંબી દાઢી નહી રાખી શકાય.
કોલેજના વિદ્યાર્થીઓએ આ મામલે જમ્મુ કાશ્મીર સ્ટૂડન્ટ અસોસિએશનને જાણ કરી હતી બાદમાં અસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખી મદદ કરવા કહ્યું હતું. વળતા જવાબમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સંગઠનને કહ્યું છે કે કોઇ પણ વિદ્યાર્થી સાથે ધાર્મિક ભેદભાવ નહીં કરવામાં આવે. તેમની ધાર્મિક પ્રવૃત્તિઓનું સન્માન જાળવવામાં આવશે. જે પણ અધિકારીઓએ વિદ્યાર્થીઓને દાઢી ટ્રિમ કરવા કહ્યંુ હશે તેમની સામે યોગ્ય પગલા લેવામાં આવશે. દાઢી રાખવી તે વ્યક્તિની સ્વતંત્રતાનો જ હિસ્સો છે. કોલેજ પ્રશાસને પણ દાઢી કાપવાનું કહેવા બદલ માફી માગી છે. કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે અન્ય રાજ્યોમાં કોલેજો તેમજ યુનિ.માં ભેદભાવની અગાઉ પણ કેટલીક ઘટનાઓ સામે આવી ચુકી છે.
Reporter: admin