બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં દુર્ગા પૂજાના સરઘસ પર પથ્થરમારો અને ગોળીબાર થયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી.
આ સિવાય લખનઉમાં છોટી માતા મંદિરમાં મા દુર્ગાની મૂર્તિ ખંડિત કરનારા યુવાનની પોલીસે ધરપકડ કરી હતી. બીજીબાજુ ઓડિશાના જાજપુરમાં દુર્ગા માતાના પડાલમાંથી માતા દુર્ગાના સોના અને ચાંદીના રૂ. ૧૦ લાખના ઘરેણાંની ચોરી થઈ હતી.ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના મહરાજગંજમાં રવિવારે મા દુર્ગાના વિસર્જન માટે સરઘસ મુસ્લિમ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અજ્ઞાાત લોકોએ મા દુર્ગા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. વધુમાં પથ્થરમારા વચ્ચે જ કેટલાક બદમાશોએ ગોળીબાર કરતાં બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના પછી ટોળાએ વિસ્તારમાં અનેક વાહનો અને ઘરોમાં આગ લગાવી દીધી હતી.
આ હિંસક ઘટના પછી દુર્ગા વિસર્જન અટકાવી દેવાયું હતું અને સમગ્ર મહરાજગંજ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો.બીજીબાજુ લખનઉમાં કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે બુધવારે મોડી રાત પછી છોટી માતા મંદિરમાં માતા દુર્ગાની મૂર્તિ ખંડિત કરી હતી. મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપી સુનિલ રાજપુતની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. પોલીસે કહ્યું કે સુનિલ રાજપુત ડ્રગ્સના નશામાં હતો. ડ્રગના નશામાં જ તે મૂર્તિને ચઢાવાયેલા ચઢાવાની ચોરી કરવા મંદિરમાં ઘૂસ્યો હતો. આ સમયે તેણે મૂર્તિ ખંડિત કરી હતી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો હતો.
Reporter: admin