ઝોન-૩ એલ.સી.બી.ની કાર્યવાહી: વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા
વડોદરા શહેરમાં પ્રોહીબીશનના ગેરકાયદેસર ધંધા સામે ઝોન-૩ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) ટીમે મોટી સફળતા હાંસલ કરી છે. ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી, જેમાં આરોપી સુરેશ ઉર્ફે કાંચો ટેકબહાદુર થાપા (ઉ.વ. 31, દાહીબાનગર, જશોદાનગર, મકરપુરા) અને રાજન મુળજીભાઈ પટેલ (ઉ.વ. 28, સત્યનારાયણ ફળીયું, માતરગામ, તા. આમોદ, જી. ભરૂચ) ને ઝડપી લેવામાં આવ્યા હતા.બાતમી મુજબ આરોપી સુરેશ ઉર્ફે કાંચો પોતાના સાથીદારો સાથે મળીને ભાથુજીનગર ગલી, ચંચળબા નગર સામે, જશોદાનગર વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હતો.
આ મામલે અન્ય ફરાર આરોપીઓમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ (મકરપુરા), રૂપેશ કેન્દુલકર (વડોદરા), અજય ઠાકોર ઉર્ફે કેરી અને અજય પંચાલ ઉર્ફે લાલોનો સમાવેશ થાય છે. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.પોલીસે સ્થળ પરથી કુલ 639 નાની-મોટી કાચ તથા પ્લાસ્ટિકની સીલબંધ બોટલો અને બીયર ટીન મળી કુલ રૂ. 97,651/- નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ઉપરાંત 3 મોબાઈલ ફોન (રૂ. 30,000/-) અને 2 ટુ-વ્હીલર વાહનો (રૂ. 1,20,000/-) સહિત કુલ રૂ. 2,47,651/- નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.આ મામલે વધુ તપાસ મકરપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Reporter: admin







