હજી તો નર્મદા નિગમમાં અરજી કરાઈ છે.વધારાનાં પાણીની આવક ચાલુ થઈ નથી

વડોદરા મહાનગરપાલિકાનાં કમિશનર અરુણ મહેશ બાબુ (IAS)એ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે સિંધરોટ, મહીસાગર ડેમ અને આજવા ડેમ ખાતે આવેલા વોટર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. વોટર પ્રેશર અને પાણીમાં કન્ટામિનેશનની મળતી ફરિયાદોના આધારે પાણીના સ્ત્રોતથી લઈને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સુધીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. નિરીક્ષણ બાદ કમિશનરે જણાવ્યું હતું કે હાલ શહેરને આગામી 20 દિવસ સુધી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. જો વરસાદ મોડો પડે તો શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે સરદાર સરોવર નિગમ લિમિટેડ પાસે 30 MLD વધારાના પાણી પુરવઠા માટે અરજી કરવામાં આવી છે. શહેરનાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં પાણીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 125 MLD પાણી સપ્લાયની યોજના ટ્રાયલ પૂલિંગ ટેકનોલોજી દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે, જેની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
ઉપરાંત, પાણીનાં પ્રેશરની સમસ્યા મહિનાના અંત સુધીમાં દૂર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રેશર લોસ અટકાવવા માટે પંપ મારફતે 5 MLD પાણી સપ્લાય કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદોને ધ્યાનમાં રાખીને વર્ષો જૂના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને બદલવાની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. ખાસ કરીને જ્યાં ડ્રેનેજ અને પાણીની લાઈનો નજીક-નજીક આવેલી છે, ત્યાં સર્વે કરીને જૂની લાઈનો બદલવામાં આવી રહી છે. મનપાએ વિવિધ વોર્ડમાં વોટર સ્ક્વોડને સક્રિય કર્યા છે. આ ટીમો સોસાયટીઓમાં જઈ ગેરકાયદે મોટર લગાવી પાણી ખેંચતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે અને આવી મોટરો જપ્ત કરવામાં આવી રહી છે.મનપાના જણાવ્યા મુજબ હાલમાં વડોદરા શહેરમાં પ્રતિ વ્યક્તિ દરરોજ આશરે 270 લિટર પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે, જ્યારે પ્રતિ ઘર સરેરાશ 700 લિટર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જે ગુજરાતના ચાર મહાનગરોમાં સૌથી વધુ હોવાનું જણાવાયું છે.
Reporter: admin







