મણિપુરમાં 6 ગુમ થયેલા નાગા પુરુષો મૃત હાલતમાં મળ્યા, સ્થિતિ ફરી ગંભીર
મણિપુરમાં ચાલી રહેલા વંશીય તણાવ વચ્ચે કાંગપોકપી જિલ્લાના કોંસખુલ ગામમાંથી 28 દિવસથી ગુમ થયેલા છ નાગા પુરુષોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાયો છે. પોલીસને પ્રાથમિક રીતે આશંકા છે કે મૃતદેહો તે જ લોકોના છે જેમનું 13 મેના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું.મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકોની શોધખોળ માટે પોલીસ, સીઆરપીએફ અને આસામ રાઇફલ્સના આશરે 450 જવાનો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી સતત 24 કલાક સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન બુધવારે બપોરે મૃતદેહો મળી આવ્યા હતા.અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતદેહો લેઇલોન વાઇફેઇ અને ખરામ વાઇફેઇ વચ્ચે આવેલા જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે.
આ વિસ્તાર તે સ્થળની નજીક હોવાનું કહેવાય છે જ્યાંથી મે મહિનામાં કેટલાક લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર ઘટના અગાઉ થયેલી હિંસક ઘટનાઓ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. ત્રણ ચર્ચ નેતાઓની હત્યા બાદ નાગા અને કુકી સમુદાયો વચ્ચે તણાવ વધી ગયો હતો. ત્યારબાદ કેટલાક નાગા ગ્રામજનોના અપહરણ અને બંને પક્ષો દ્વારા લોકોને બંધક બનાવવાની ઘટનાઓ સામે આવી હતી.મધ્યસ્થતા અને ચર્ચા બાદ બંને પક્ષોએ મોટાભાગના બંધકોને મુક્ત કર્યા હતા. મંગળવારે નાગા જૂથોએ બાકીના 14 કુકી પુરુષોને પણ વહીવટીતંત્રને સોંપી દીધા હતા. જોકે તેના બીજા જ દિવસે છ નાગા પુરુષોના મૃતદેહ મળતાં પરિસ્થિતિ ફરી સંવેદનશીલ બની છે.પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. મૃતદેહોની ઓળખ અને મૃત્યુના કારણ અંગે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને ઘટનાની વિગતવાર તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
Reporter: admin







