News Portal...

Breaking News :

NH-48 પર પાઇપોની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ.20.59 લાખનો જથ્થો ઝડપાયો, ડ્રાઇવર ફરાર

2026-06-10 17:03:04
NH-48 પર પાઇપોની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ.20.59 લાખનો જથ્થો ઝડપાયો, ડ્રાઇવર ફરાર




 પાઇપોની આડમાં સંતાડેલો વિદેશી દારૂ જપ્ત કર્યો, કુલ રૂ.30.59 લાખનો મુદ્દામાલ કબજે
ગોકુલ કટ નજીક શંકાસ્પદ કન્ટેનર પર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી...


અમદાવાદ–મુંબઈ નેશનલ હાઇવે–48 પર ગેરકાયદે દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કપૂરાઈ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તરસાલીથી જામ્બુવા બ્રિજ તરફ જતા માર્ગ પર ગોકુલ કટ નજીક ખુલ્લી જગ્યામાં ઉભેલા એક શંકાસ્પદ કન્ટેનર પર દરોડો પાડવામાં આવ્યો હતો.



તપાસ દરમિયાન અશોક લેલેન્ડ કંપનીનું બ્રાઉન રંગનું કન્ટેનર જોવા મળ્યું હતું. પ્રાથમિક ચકાસણીમાં ડ્રાઇવર હાજર ન હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસને શંકા જતા કન્ટેનરનું સીલ તોડી અંદર તપાસ કરવામાં આવી હતી. ત્યારે ચોંકાવનારી રીતે દરવાજા નજીક પાઇપોના જથ્થાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલ વિદેશી દારૂની કિંમત અંદાજે રૂ.20.59 લાખ છે, જ્યારે કન્ટેનરની કિંમત રૂ.10 લાખ ગણવામાં આવી છે. આમ કુલ રૂ.30.59 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.



કપૂરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.સી. રાઓલની ટીમે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. પોલીસે ફરાર ડ્રાઇવર, કન્ટેનર માલિક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ વધુ તેજ કરી છે.
પોલીસને શંકા છે કે આ સમગ્ર નેટવર્ક આંતરરાજ્ય દારૂ હેરાફેરી સાથે જોડાયેલું હોઈ શકે છે અને આગળની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Reporter: admin

Related Post