News Portal...

Breaking News :

હાઈકોર્ટની આખરી મુદત બાદ યુસુફ પઠાણનાં કથિત ગેરકાયદે કબ્જા સામે પાલિકા એક્શનમાં

2026-06-11 10:33:47
હાઈકોર્ટની આખરી મુદત બાદ યુસુફ પઠાણનાં કથિત ગેરકાયદે કબ્જા સામે પાલિકા એક્શનમાં


હાઈકોર્ટની આખરી મુદત બાદ યુસુફ પઠાણનાં કથિત ગેરકાયદે કબ્જા સામે પાલિકા એક્શનમાં

વડોદરા મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન પર પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કબ્જાનાં મામલે હવે વહીવટી તંત્ર આરપારનાં મૂડમાં આવી ગયું છે. લાંબા સમયની શાંતિ બાદ આખરે પાલિકાનાં ઉચ્ચ અધિકારી સુરેશ તુવેરે સત્તાવાર આક્રમક નિવેદન જાહેર કરીને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે કાયદો અને નિયમો તમામ નાગરિકો માટે સમાન છે. વગદાર વ્યક્તિ સામે નમતું જોખવાના દિવસો હવે પૂરા થયા છે અને નામદાર હાઈકોર્ટની અંતિમ મુદત પૂર્ણ થતાં જ પાલિકા આ સમગ્ર દબાણ સામે કડક કાનૂની કાર્યવાહી કરશે.આ વિવાદની વિગતો એવી છે કે વડોદરાના પોશ વિસ્તારમાં આવેલા યુસુફ પઠાણના આલીશાન નિવાસસ્થાનની નજીક પાલિકાનો એક મોટો પ્લોટ આવેલો છે. 

આ સરકારી મિલકત પર કોઈપણ જાતની પૂર્વ પરવાનગી કે રાજ્ય સરકારની મંજૂરી લીધા વિના જ રાતોરાત કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ છે. સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને આખા પ્લોટ પર કબ્જો કરી લેવાના આ પ્રકરણમાં હવે કાયદાનો ગાળિયો મજબૂત બન્યો છે.ગઈકાલે જ નામદાર હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પૂર્વ ક્રિકેટર સામે આકરા સવાલો ઉઠાવી કડક વલણ અપનાવ્યું હતું, જેના કારણે પાલિકાનાં અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાનાં જવાબદાર અધિકારીના જણાવ્યા અનુસાર, વિવાદિત મામલાની અંતિમ સુનાવણી હાઈકોર્ટમાં થવાની છે. કોર્ટની લીલી ઝંડી મળતાની સાથે જ વડોદરા મહાનગરપાલિકાની દબાણ હટાવવાની ટીમ સંપૂર્ણ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચશે અને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે.સત્તા અને પ્રતિષ્ઠાના જોરે સરકારી જમીનો પર કબ્જો જમાવનારા તત્વો સામે આ એક મોટો દાખલો બેસાડવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હાઈકોર્ટનાં આગામી આદેશ પર હવે સમગ્ર વડોદરાની નજર મંડાયેલી છે.

Reporter: admin

Related Post