પંડ્યા બ્રિજના તૂટેલા દાદર અને અંધારપટ્ટ વચ્ચે નાગરિકોના જીવ રામભરોસે

વડોદરાના વહીવટી તંત્રની ઘોર આળસ અને નિર્લજ્જ બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા શાસ્ત્રી બ્રિજ એટલે કે પંડ્યા બ્રિજ પાસે, નર્મદા ભવનની સરકારી કચેરીઓ ટ્રાન્સફર થવાનાં કારણે આ વિસ્તારમાં રોજેરોજ હજારો નિર્દોષ નાગરિકોની ભારે અવરજવર રહે છે. પરંતુ તંત્રની આંખ આડા કાન કરવાની નફ્ફટ નીતિના કારણે આ બ્રિજનો લોખંડનો દાદર સદંતર તૂટી ગયો છે અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ દાદર પર એટલા મોટા ગાબડાં પડ્યા છે કે તેના પર પગ મૂકવો એટલે સીધું હોસ્પિટલ ભેગા થવું અથવા મોતને આમંત્રણ આપવું.આ ગંભીર અને ભયજનક પરિસ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દાદરના પગથિયાંની લોખંડની પ્લેટો તૂટી જવાથી પોલી થઈ ગઈ છે, જેમાં કોઈનો પણ પગ ફસાઈ શકે છે. આવી દયનીય સ્થિતિ હોવા છતાં કોર્પોરેશનના આંધળા અને બહેરા અધિકારીઓનાં પેટનું પાણી પણ હલતું નથી. અત્યાર સુધીમાં કેટલાય નિર્દોષ રાહદારીઓ આ તૂટેલા દાદર પરથી લપસીને નીચે પટકાયા છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને અને કોઈનો જીવ જાય તેની રાહ જોઈને બેઠું છે?સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નથી, જેના કારણે રાત્રે ઘોર અંધારપટ્ટ છવાયેલો રહે છે. નર્મદા ભવન અને આસપાસનાં વિસ્તારોમાં નોકરી કરતી મહિલાઓ, શિફ્ટ પૂરી કરીને મોડી રાત્રે ઘરે પરત ફરતી નોકરિયાત યુવતીઓ અને ટ્યુશન કે કોલેજથી મોડી આવતી વિદ્યાર્થીનીઓ માટે આ સ્થળ અત્યંત જોખમી અને અસુરક્ષિત બની ગયું છે. અંધારામાં તૂટેલા પગથિયાં દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય તો રહે છે જ, સાથે સાથે અંધારાનો લાભ લઈને કોઈ અસામાજિક તત્વો મહિલાઓ સાથે છેડતી કે અન્ય કોઈ ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપે તો તેનો જવાબદાર કોણ? સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતી મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું છે કે રાત્રે અહીંથી પસાર થતાં જીવ તાળવે ચોંટી જાય છે. બ્રિજ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા કે પોલીસ પેટ્રોલિંગ પણ જોવા મળતું નથી.
મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને માંડ-માંડ પગથિયાં ઉતરવા પડે છે. સ્માર્ટ સિટીના દાવાઓ કરતી વડોદરા મહાનગરપાલિકા શું એક બ્રિજના દાદરનું સમારકામ અને લાઈટોની સુવિધા પણ આપી શકતી નથી? કાગળ પર સુવિધાઓનાં ગુણાકાર કરનારા આ એસી કેબિનમાં બેસતા અધિકારીઓને જમીની હકીકત કેમ દેખાતી નથી? એક તરફ તમે મહિલા સુરક્ષાની વાતો કરો છો અને બીજી તરફ બ્રિજ નીચે જ અંધારપટ્ટ રાખીને મહિલાઓને મોતના મુખમાં ધકેલો છો—આ કેવો બેવડો માપદંડ છે? બ્રિજ નીચે ગંદકીના ગંજ ખડકાયેલા છે, લારી-ગલ્લાઓ અસ્તવ્યસ્ત પડ્યા છે અને દાદર સડી રહ્યો છે. નાગરિકો પાસેથી કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલતી આ ભ્રષ્ટ વ્યવસ્થા પ્રજાને પ્રાથમિક સવલતો આપવામાં પણ સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. જો આ વિસ્તારમાં તુરંત જ તૂટેલા દાદરનું નવું નિર્માણ કે સમારકામ કરવામાં નહીં આવે અને નવી હાઈ-પાવર સ્ટ્રીટ લાઈટો લગાવીને રાત્રિ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે, તો કોઈ મોટી જાનહાનિ થવી નક્કી છે. વડોદરાના જાગૃત નાગરિકો અને સામાજિક સંગઠનોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિવારણ નહીં આવે તો કોર્પોરેશનની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે આ કડક આક્રોશ પછી પણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની જ રાહ જોયા કરે છે.વડોદરા શહેરનાં શાસ્ત્રી બ્રિજ એટલે કે પંડ્યા બ્રિજ પાસે નર્મદા ભવનની સરકારી ઓફિસો હવે ટ્રાન્સફર કરાઈ છે, જેથી લોકોની ભારે અવરજવર રહે છે, પણ આ બ્રિજનો દાદર તૂટી ગયો છે. બ્રિજ ચઢી શકાય તેમ નથી. રાત્રે નોકરી પરથી કોઈ મહિલા આવે તો કોઈ સેફ્ટી નથી, તે માટે વ્યવસ્થા કરવી જોઈએ. રાત્રે મહિલા નોકરીયાત કે અભ્યાસ કરીને આવે તો કોઈ ઘટના બને તે પહેલાં લાઈટો લગાડવી જોઈએ. અત્યાર સુધી દાદર પરથી કેટલાય લોકો પડ્યા છે, પણ કોઈ સવલત નથી. આ વિસ્તારમાં લાઈટ પણ નથી. સુરેશભાઈ, જાગૃત નાગરિક
Reporter: admin







