યુદ્ધના ધોરણે, સામે ચોમાસે, સયાજીબાગ પાસે પ્રોટક્શન વોલ કરવાની જાહેરાત કરાઈ !!.

વડોદરામાં ચોમાસું નજીક આવતાં જ પૂરનો ભય વડોદરાવાસીઓના માથે તોળાવા લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરામાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે, જેમાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. આ પૂરના કારણે શહેરની શાન ગણાતા ઐતિહાસિક સયાજીબાગને પણ દર વર્ષે ભારે નુકસાન વેઠવું પડે છે. પૂરનાં પાણી સયાજીબાગની અંદર ઘૂસી જવાના કારણે ત્યાં રાખવામાં આવેલા અસંખ્ય વન્યજીવો, કિંમતી વનસ્પતિ અને બગીચાના આકર્ષણ સમાન કરોડોની મિલકત જોખમમાં મુકાઈ જાય છે.આ કાયમી સમસ્યાના નિવારણ માટે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજીબાગની ફરતે મજબૂત સેફ્ટી વોલ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં દર વર્ષે ભારે વરસાદ કે આજવા ડેમમાંથી પાણી છોડાવાના કારણે વિશ્વામિત્રી નદી ગાંડીતુર બને છે અને તેના પાણી સીધા સયાજીબાગમાં પ્રવેશી જાય છે. ભૂતકાળમાં પૂરના પાણી ઝૂની અંદર ઘૂસી જતાં પ્રાણીઓના પાંજરા સુધી પાણી પહોંચી ગયા હતા, જેના કારણે વન્યજીવોના જીવ બચાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ વર્ષે ચોમાસા પહેલાં જ પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ કરવા આયોજન કરાયું છે. આ સેફ્ટી વોલ બનવાથી નદીના પૂરના પાણી બગીચાની અંદર પ્રવેશતા અટકશે, જેથી સયાજીબાગની હરિયાળી અને પ્રાણી સંગ્રહાલય સુરક્ષિત રહેશે.સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓ તંત્રના આ નિર્ણયને આવકારી રહ્યા છે, પરંતુ સાથે સાથે એવી પણ માંગ કરી રહ્યા છે કે કામની ગુણવત્તા ઉત્તમ હોવી જોઈએ, જેથી પૂરના પ્રચંડ પ્રવાહ સામે દીવાલ ટકી શકે. વડોદરામાં પૂરના જોખમને કાયમી રીતે ઘટાડવા માટે માત્ર સયાજીબાગ જ નહીં, પરંતુ નદી કિનારે આવેલા તમામ નીચાણવાળા વિસ્તારોમાં પણ આવી નબળી કડીઓ સુધારવી જરૂરી છે. હાલમાં તો કોર્પોરેશન આગામી પૂરની સ્થિતિને પહોંચી વળવા અને સયાજીબાગને પૂરના પ્રકોપથી બચાવવા માટે રાત-દિવસ એક કરીને કામગીરી પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે.
Reporter: admin







