સ્વ. યોગેશભાઈ પટેલને મુખ્યમંત્રી-પ્રદેશ મહામંત્રી સહિત આગેવાનોની ભાવભીની શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય અને વરિષ્ઠ જનપ્રતિનિધિ સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વ. યોગેશભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરીવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વ. યોગેશભાઈ પટેલના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રાર્થના સભામાં મંત્રી રમણભાઈ સોલંકી, મંત્રી મનીષાબેન વકીલ, દંડક બાલકૃષ્ણ ભાઈ શુક્લા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય કેતન ઇનામદાર, પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી સ્વ. યોગેશભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સર્વે ઉપસ્થિતોએ સ્વ. યોગેશભાઈ પટેલના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ આજે 7 જૂનના સાંજે નવલખી મેદાન ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અનેક વરિષ્ઠ રાજકીય આગેવાનો અને મંત્રીઓએ આ સભામાં ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી અને મહામંત્રીએ પોતાના સેન્ડલ ઉતારીને સ્ટેજની ગરિમા અને પવિત્રતા જાળવી રાખતાં લોકોમાં આદરની ભાવના પ્રગટ થઈ હતી. સમગ્ર વડોદરાવાસીઓએ ભારે હૈયે પોતાના વહાલા નેતાને અંજલિ આપી હતી
Reporter: admin







