રાજકોટ: દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડમાં તપાસ કરતી રાજકોટ જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ પોલીસે યસ બેન્કના ત્રણ અધિકારીઓ મૌલિક રામજી કમાણી(રહે. પાતા મેઘપર, તા. કાલાવડ), કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા(રહે. કાલાવડ શીતળા, જામનગર) અને અનુરાગ ચંદુભાઈ બાલધા(રહે. જામકંડોરણા)ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધા છે.
આ ત્રણેય આરોપીઓમાં એકમાત્ર મૌલિક જ હાલ યસ બેન્કમાં નોકરી કરે છે. બાકીના બંને આરોપીઓ બીજી બેન્કમાં નોકરી કરે છે. દેશવ્યાપી આ સાયબર ફ્રોડ અંગે પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ આર. જે. ગોધમને સોંપવામાં આવી હતી.શરૂઆતમાં જુદા-જુદા એપીએમસી એકાઉન્ટ માંથી 1500 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. જેમાંથી 23 કરોડ જેવી રકમ સાયબર ફ્રોડની હતી.
બાકીની રકમ ગેમિંગ અને જીએસટીના ટ્રાન્ઝેક્શનને લગતી હતી. તપાસ દરમિયાન હવે 1500 કરોડનો આંક સીધો 2500 કરોડ સુધી પહોંચ્યો છે. એટલું જ નહીં 2500 કરોડના ટ્રાન્ઝેક્શન કુલ 85 બેન્ક ખાતાઓમાં થયા હતા. આ 85 બેન્ક ખાતાઓમાં 74 કરોડ કરતા વધુ સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી. જે આંક હજૂ વધવાની શક્યતા છે. 74 કરોડના સાયબર ફ્રોડ અંગે દેશભરમાંથી કુલ 535 અરજીઓ થયેલી છે.
Reporter: admin







