રાજકોટ: ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા એકમાત્ર મોટા માથા એવા મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયાએ ભ્રષ્ટાચાર આચરી એકત્રિત કરેલી કરોડોની મત્તા મળી આવતા એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. પરંતુ ભાજપ શાશનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર આચારનાર ઉપર કોના આશીર્વાદ હતા તે સવાલ ઉઠી રહ્યો છે.એસીબીએ તેની ધરપકડ કરી મોડીરાત્રે શહેરના પોશ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ટવીન સ્ટાર ટાવરમાં આવેલી તેના ભાઈની ઓફિસમાં જડતી કરતાં તિજોરીમાંથી કરોડોની રોકડ, કરોડોના સોનાના દાગીના, વિદેશી ચલણ, ડાયમંડ જવેલરી, ચાંદીના દાગીના સહિતની ૧૮.૧૮ કરોડની મત્તા મળી આવી હતી. સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની સીટે અગ્નિકાંંડમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની સામે બોગસ મિનિટ્સ બૂક બનાવવા અને અપ્રમાણસર મિલકતો અંગે મળી કુલ ત્રણ ગુના નોંધાયા હતા. અગ્નિકાંડ અને બોગસ મિનિટ્સ બૂક બનાવવાના ગુનામાં તેની સીટે ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કર્યો હતો.
જ્યાંથી એસીબીએ ગઇકાલે અપ્રમાણસર મિલકતના ગુનામાં તેનો કબજો મેળવી ધરપકડ કરી હતી. મોડીરાત્રે એકાદ વાગ્યે એસીબીના ડીવાયએસપી આશુતોષ પરમારના માર્ગદર્શન હેઠળ એસીબીની જુદી-જુદી ચારેક ટીમો સાગઠીયાને લઇને તેના ભાઈ દિલીપની માલિકીની અને તેના કબજા- ભોગવટાની ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ટવીન સ્ટાર બિલ્ડિંગના નોર્થ બ્લોકમાં આવેલી ઓફિસ નં. ૯૦૧ ખાતે પહોંચી હતી. જ્યાં જડતી- તપાસ કમ પંચનામુ કર્યું હતું. આ ઓફિસ અગાઉ સીટે સીલ કરી હતી. જેથી એસીબીએ સીટના અધિકારીઓને સાથે રાખી સીલ ખોલી તપાસ કરતાં ઓફિસમાંથી તિજોરી મળી આવી હતી. જે ખોલીને જોતાં તેમાંથી ૨૨ કિલો સોનુ, અઢી કિલોગ્રામ ચાંદીના દાગીના, રૂા. ૮.૫૦ લાખની કિંમતની ડાયમંડ જ્વેલરી, રૂા. ૩.૦૫ કરોડ રોકડા મળી અપ્રમાણસર મિલકતોનો આંક એકંદરે ૨૮ કરોડથી વધુ સુધી પહોંચી ગયો છે. તે સાથે જ સાગઠીયાએ કઇ હદે ભ્રષ્ટ રીત-રસમો આચરી આટલી જંગી મિલકતો અને મત્તા ભેગી કરી હતી તે બાબતે અનેક સવાલો ઉઠયા છે.
Reporter: News Plus