કર્નલ સોફિયા કુરેશીની સાથે પોતાની સરખામણી કરીને સાંસદ હેમાંગ જોશી શું કહેવા માંગે છે?...
હેમાંગ જોશી કયા મિશન ઉપર ગયા હતા? અને શું સફળતા મેળવી? પોતાના જ વખાણ પોતાના જ કાર્યકર્તાઓ આગળ કરાવડાવવાનું નાટક ? પોતાની જ પીઠ થબેડવાની અને પોતાના જ કાર્યકર્તાઓ પાસે તાળીઓ મરાવડાવવાની?..

હું કરું..હું કરું..એ જ અજ્ઞાનતા..શકટનો ભાર જેમ શ્વાન તાણે. બાબાભાઇની પણ આ જ અજ્ઞાનતા...
સર્વપક્ષીય પ્રતિનિધીમંડળમાં વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીને સ્થાન મળ્યું એટલે જાણે તેમણે માની લીધું કે જંગ તેમની રણનીતિ મુજબ જ લડાયો હતો. સાંસદ મહોદયને જાણ હોવી જોઇએ કે ઑપરેશન સિંદૂર શું છે, યુદ્ધ શું છે તથા સર્જીકલ સ્ટ્રાઇક શું છે. સર્વપક્ષિય પ્રતિનિધી મંડળ દ્વારા વિદેશમાં જઇને ભારતની વાત મુકવાની તક તેમને મળી હતી તો તેમણે વિદેશમાં જ ભારતની વાત રજુ કરવી જોઇતી હતી. પણ સાંસદે વિદેશમાં તો કોઇ વાત કરી નહી હોય એટલે તેમણે વડોદરામાં આવીને ખાસ પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની વાહવાહી કરી. સર્વપક્ષિય પ્રતિનિધી મંડળમાં પોતાને સ્થાન મળ્યું અને પોતે વિદેશ જઇ આવ્યા તે વાતને વડોદરાની પ્રજા સમક્ષ રજુ કરવા બાબાભાઇએ પોતાની પ્રસિદ્ધી કરવાની પણ તક ઝડપી લીધી હતી. તેમને એમ કે હું યુદ્ધ જીતીને આવ્યો છું અને વડોદરાની જનતાને એમ થશે કે અમારા સાંસદ તો લડવૈયા છે.વડોદરાની જનતા જાણે છે કે સાંસદને માત્ર વાહવાહી કરવામાં જ રસ છે. લોકો તો એમ પણ કહી રહ્યા છે કે વડોદરામાં આવીને સાંસદે પ્રેસ કોન્ફરન્સ કરવાની જરુર શું હતી? પ્રતિનિધી મંડળમાં જે સાંસદો ગયા હતા તેમણે આવો પ્રસિદ્ધી લેવાનો પ્રયાસ કર્યો નથી પણ આપણાં સાંસદે આ મોકો ઝડપી લીધો હતો. સાંસદ હેમાંગ જોશીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર પણ માન્યો. જે જરુરી હતો પણ સાંસદે જેમણે ઓપરેશન સિંદૂર સુપેરે પાર પાડ્યું છે, જેમણે રણનીતિ ગોઠવી છે તેવા ભારતીય સેનાના ત્રણેય પાંખના વડા તથા જેઓ યુદ્ધ લડ્યા છે તે તમામ સૈનિકો તથા જેમણે સેનાની પડખે રહીને હૂંફ આપી છે તેવા રક્ષા મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી એસવ જય શંકર, ત્રણેય સેના ના વડા અને જેમણે ઓપરેશન સિંદૂર વખતે વિશ્વભરના નેતાઓ સાથે સતત સંપર્ક રાખીને ભારતનો પક્ષ રજુ કર્યો હતો તો તેમણે પણ સાંસદે આ કોઇ મહાનુભાવોનાં નામ લીધા ન હતા. સાંસદ બીજા દેશોમાં જઈને ઓપરેશન સિંદૂરની વાત કરી એમાં બોલ્યા ખરા કે વડોદરાની દીકરી કર્નલ સોફિયા હતી. જે વડોદરા માટે ગૌરવની વાત છે. વડોદરામાં બોલવાની ક્યાં જરૂર છે વડોદરાવાસીઓ ને તો ખબર જ છે.ખરેખર તો આ લોકોએ પણ ઓપરેશન સિંદૂરમાં યોગદાન આપ્યું છે પણ પ્રસિદ્ધી ભુખ્યા સાંસદે કોઇનું નામ ના લીધું અને માત્ર પોતે મીર મારીને આવ્યા તેની વાહવાહી કરી હતી. ખરેખર તો તમારે આ બધુ તમે જ્યાં ફરી આવ્યા ત્યાં બોલવાનું હતું . વડોદરાની જનતા તો ઓપરેશન સિંદૂર અને પહેલગામ એટેક અને પાકિસ્તાનના કરતૂતો અને આતંકવાદી સંગઠનો અને તેમના કાળા કૃત્યો વિશે બધુ જ જાણે જ છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે બાબાભાઇ..તમે વિદેશમાં જ્યાં ફરતા હતા તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં લોકોએ જોયેલા જ છે એટલે વડોદરા આવીને વાહવાહી કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવાની જરુર જ ન હતી. ઓપરેશન સિંદૂર વખતે તો વિપક્ષ પણ સરકારના સમર્થનમાં હતો અને સર્વપક્ષીય પ્રતિનિધી મંડળમાં વિપક્ષના સાંસદો પણ ભારત સરકારનો મત રજુ કરવા વિદેશ ગયા હતા. આ પ્રકારના દેશહિતના કામમાં પોતાને જ જશ ના લેવાનો હોય તેવું સાંસદે સમજવું જોઇતું હતું. તેવી વાતો વડોદરામાં લોકો કરી રહ્યા છે. વડોદરાના લોકો બહુ હોંશિયાર છે તેમને બધી જ ખબર છે..ચિંતા ના કરો અને લોકોના સળગતા સવાલો ઉકેલવામાં ધ્યાન આપો,...
જયશંકરજીને તો આવકારો પણ આપ્યો ન હતો...
સાંસદ ડો.હેમાંગ જોશી તો વિદેશમાં હતા પણ તેમને જણાવી દઇએ કે તમારી ગેરહાજરીમાં એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા વિદેશ મંત્રી એસ.જયશંકરજી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત વડોદરા આવ્યા હતા પણ તેમને ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, મેયર કે ચેરમેને આવકારો સુદ્ધાં આપ્યો ન હતો. સાંસદ હોવાથી ખબર જ હશે કે ઓપરેશન સિંદૂરમાં વિદેશ મંત્રીની ભૂમિકા શું હતી. ઓપરેશન સિંદૂરમાં વિશ્વનું સમર્થન મેળવવાની અદભૂત કામગિરી કરનારા વિદેશ મંત્રી એસ.જયશંકર શુક્રવારે ખાનગી યુનિવર્સિટીના કાર્યક્રમમાં વડોદરા આવ્યા હતા પણ વડોદરા ભાજપ વિદેશ મંત્રીની સરાહના કરવામાં ઉણું ઉતર્યું હતું. ખરેખર તો શહેર ભાજપે વિદેશમંત્રી જયશંકરજીને શહેર સંગઠને આમંત્રણ આપીને નમો કમલમમાં કે અન્ય જગ્યાએ જાહેર કાર્યક્રમમાં બોલાવી સન્માન કરવાનું હતું. પણ શહેર ભાજપ પ્રમુખ અને હોદ્દેદારો તથા પાલિકાના મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ, શહેરના પાંચ ધારાસભ્યોએ વડોદરા પધારેલા વિદેશ મંત્રીનું એમના લાયક સન્માન કરવાનો વિચાર સુદ્ધાં કર્યો ન હતો

સાંસદે પોતે યુદ્ધમાં ભાગ લીધો હોય તેવું વાતાવરણ ઉભુ કર્યું...
સાંસદ હેમાંગ જોશી વાજતે ગાજતે વિદેશથી પરત ફરી ગયા પણ વાતાવરણ એવું ઉભુ કરાયું કે જાણે તે જંગ લડવા ગયા હતા અને આતંકવાદનો સફાયો કરીને સ્વદેશ આગમન કર્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક પોસ્ટરમાં જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂરના ભાગરુપે આતંકવાદ વિરુદ્ધ ભારતના યુદ્ધને વૈશ્વિક સ્તરે સમર્થન મેળવવામાં સફળ પ્રતિનિધી મંડળમાં સાંસદ હેમાંગ જોશીને મિશનની સફળતા બાદ સ્વદેશ આગમન બદલ ખુબ ખુબ અભિનંદન. અરે ભાઇ ..જરા એટલું તો વિચારો કે સાંસદ વડોદરા જ પાછા આવવાના હતા. તે કંઇ વિદેશ તો જવાના ન હતા. વડોદરાના સાંસદ છે, વડોદરામાં રહે છે તો સ્વદેશ આગમન તો તેમનું થવાનું જ છે ને..કાયમી વિદેશ સેટલ થવા તો ગયા ન હતા ને..આમ છતાં પ્રસિદ્ધીની લ્હાયમાં સાંસદ એટલાં રચ્યા પચ્યા રહે છે કે આટલા સામાન્ય સવાલો પણ તેમના મનમાં જ ના આવે તે સ્વાભાવિક છે.
સાંસદે એવું તો શું યોગદાન આપ્યું કે ઇતિહાસ તેની નોંધ લેશે...
સોશિયલ મીડિયાના પોસ્ટરમાં વળી એવું પણ લખાયું છે કે જ્યારે જ્યારે ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ લખાશે ત્યારે વડોદરાને યાદ કરાશે. કર્નલ સોફિયા અને ડો.હેમાંગ જોશીના યોગદાનને વંદન..અરે ભાઇ આટલી બધી પ્રસિદ્ધી તો જેમણે યુદ્ધ લડ્યું છે તેવા ત્રણેય સેનાના વડા કે સૈનિકોએ પણ લીધી નથી. ઓપરેશન સિંદૂરને જ્યારે યાદ કરાશે ત્યારે ચોક્કસ વડોદરાના કર્નલ સોફિયાને યાદ કરાશે કારણકે તેમણે પોતાની રણનીતિ ઘડી હતી. વડોદરાવાસીઓ આજે પણ આશ્ચર્યમાં છે કે સાંસદ હેમાંગ જોશીએ ઓપરેશન સિંદૂરમાં એવું તો શું યોગદાન આપી દીધું છે કે તેમના યોગદાનને યાદ કરાશે. કર્નલ સોફિયા તો પ્રેરણાદાયક છે. તેમનું જીવન આજની પેઢીને પ્રેરણા આપે તેમ છે અને તેમનું કાર્ય પણ પ્રેરણા આપશે પણ સાંસદે એવું તો શું તીર માર્યું કે તેમના યોગદાનને નવી પેઢી યાદ રાખશે તે સાંસદ લોકોને સમજાવે તો સારુ. સાંસદ બીજા દેશોમાં જઈને ઓપરેશન સિંદૂરની વાત કરી એમાં બોલ્યા ખરા કે વડોદરા ની દીકરી કર્નલ સોફિયા હતી. જે વડોદરા માટે ગૌરવ ની વાત છે. વડોદરા માં બોલવાની ક્યાં જરૂર છે વડોદરા વાસીઓને તો ખબર જ છે.
સાંસદ પોતે જ કન્ફ્યુઝનમાં છે કે તેમની પ્રતિનિધી મંડળમાં કોણે પસંદગી કરી...
પ્રસિદ્ધીની લ્હાયમાં વાયરલ થયેલા પોસ્ટરમાં એવું પણ લખાયું છે કે વડોદરાની પ્રતિભાઓને પીછાણીને વડોદરાને વૈશ્વિક ફ્લક પર ગૌરવ અપાવવા વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ સાંસદ ભુલી ગયા કે આ બે મહાનુભાવો ઉપરાંત વિદેશ મંત્રી, રક્ષા મંત્રી, ત્રણ સેના પાખ ના વડા પણ આ રણનીતિમાં સામેલ હતા તો તેમનો પણ આભાર માનવો જ પડે. પણ સાંસદ પોતે જ કન્ફ્યુઝનમાં છે કે તેમની પ્રતિનિધી મંડળમાં કોણે પસંદગી કરી. પ્રતિનિધી મંડળ બનાવવા માટે ખાસ રણનીતિ ઘડાઇ હતી તે તો સાંસદ જાણતા જ હશે તો તમામનો આભાર માનવો પડે ને ?
Reporter: admin