News Portal...

Breaking News :

પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી યથાવત* ગટરમિશ્રિત પાણીથી પણ જનતા ત્રસ્ત, વોર્ડ કચેરીએ ઉગ્ર હલ્લાબોલ

2026-06-09 14:04:02
પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી યથાવત* ગટરમિશ્રિત પાણીથી પણ જનતા ત્રસ્ત, વોર્ડ કચેરીએ ઉગ્ર હલ્લાબોલ




લક્ષ્મીનગર સહિત પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા, ગંદુ અને કાળું પાણી આવતાં નાગરિકોમાં આક્રોશ, તંત્ર સામે ઉગ્ર વિરોધ
ત્રણ ટર્મથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક રહીશોના ગંભીર આક્ષેપો, લાંબા સમયથી ચાલતી પાણી સમસ્યાનો ઉકેલ ન મળતા મહિલાઓ અને નાગરિકોએ વોર્ડ કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક શુદ્ધ પાણીની માંગ કરી.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં જનતા પાણી માટે તરસે છે, જ્યારે નેતાઓ સત્તાસુખ ભોગવે છે...

ત્રણ ટર્મથી જીતતા કોર્પોરેટર અજિત દધીચ અને મંત્રી મનિષા વકીલ જનતાને શુદ્ધ પાણી પૂરું પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. ગટરના કાળા પાણી પીવા મજબૂર નાગરિકોએ વોર્ડ કચેરીએ પહોંચી સત્તાધીશો સામે આક્રોશપૂર્ણ હલ્લાબોલ કર્યો.
સ્માર્ટ સિટીનાં બણગાં ફૂંકતા વડોદરા મહાનગરપાલિકાના શાસકો અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની શરમજનક લાપરવાહી ફરી એકવાર સપાટી પર આવી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની એટલી ગંભીર કટોકટી સર્જાઈ છે કે જનતા હવે લોહીના આંસુએ રડી રહી છે. સંગમ ચાર રસ્તા અને લક્ષ્મીનગર સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નળમાં પીવાના પાણીના નામે ડ્રેનેજ મિશ્રિત, કાળું, અત્યંત ગંદુ અને ગંધાતું પાણી આવી રહ્યું છે.
આ આખી પરિસ્થિતિમાં સૌથી આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે આ જ વિસ્તારમાં અજિત દધીચ છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે. એટલું જ નહીં, આ વિસ્તારના ધારાસભ્ય મનિષા વકીલ પણ છેલ્લી ત્રણ ટર્મથી અહીંથી જીતે છે અને તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ છે. આમ છતાં, ત્રણ ટર્મથી સત્તા ભોગવતા આ નેતાઓ સ્થાનિક રહીશોને પીવાના પાણી જેવી અત્યંત પ્રાથમિક સુવિધા પણ અપાવી શક્યા નથી.



આ લોકપ્રતિનિધિઓની ઘોર નિષ્ક્રિયતા અને અણઆવડતના કારણે આજે સમગ્ર પૂર્વ વિસ્તાર રોગચાળાના મુખમાં ધકેલાઈ ગયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, લક્ષ્મીનગરમાં પાણીની આ સમસ્યા કોઈ નવી નથી; છેલ્લા પાંચ વર્ષથી લોકો આ નરક જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી તો તંત્રએ હદ વટાવી દીધી છે અને નળમાં પાણી આવવાનું જ બિલકુલ બંધ થઈ ગયું છે.
કાળઝાળ ઉનાળામાં જ્યારે પાણીની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે રહીશોને ટીપે-ટીપે પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. જો ક્યારેક પાણી આવે પણ છે, તો તે એટલું પ્રદૂષિત અને ગટરના પાણી જેવું કાળું હોય છે કે તેને જોતાં જ ઉબકા આવી જાય. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં પીવાની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે અને સોસાયટીઓની બહાર ગટરો પણ ઉભરાઈ રહી છે.
વહીવટી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી કોઈ જ સોલ્યુશન લાવવામાં આવતું નથી. આ નઘરોળ તંત્રના પાપે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા ભાવના ખાનગી પાણીના ટેન્કરો મંગાવીને ગુજરાન ચલાવવું પડી રહ્યું છે.
આ નફ્ફટાઈ અને અન્યાય સામે આજે રહીશોનો પિત્તો ગયો હતો. અસહ્ય ગંદકી અને પાણીની અછતથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક નાગરિકો અને મહિલાઓ મોટી સંખ્યામાં પૂર્વ ઝોનની વોર્ડ નંબર 4 ની કચેરીએ હલ્લાબોલ કરવા પહોંચ્યા હતા. રહીશોએ તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઓફિસ ગજવી મૂકી હતી.
સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે જ્યારે પણ અમે તંત્રમાં ફરિયાદ કરીએ છીએ ત્યારે અધિકારીઓ “બે-ચાર દિવસમાં કામ થઈ જશે” તેવું કહીને વાયદાના વડા કરે છે, પણ સ્થળ પર કોઈ ડોકાવા પણ તૈયાર નથી. અમે સ્થાનિક કોર્પોરેટર અજિત દધીચ અને શ્વેતા માછીને વારંવાર ફોન કરીને અમારી વ્યથા રજૂ કરી છે, પણ સત્તાના નશામાં ચૂર આ નેતાઓ અમારી વાત સાંભળવા પણ તૈયાર નથી.
વોટ લેવાના સમયે આ નેતાઓ હાથ જોડીને, ગળગળા થઈને સોસાયટીઓમાં ભીખ માંગવા આવી જાય છે, પણ એકવાર ચૂંટણી જીતી ગયા પછી જનતા ક્યાં મરે છે તે જોવા પણ કોઈ આવતું નથી.



હું સીધો વડોદરા કોર્પોરેશન પર કોર્ટમાં કેસ ઠોકી દઈશ”
મીડિયા સમક્ષ વિસ્તારના રહીશોએ વહીવટી તંત્ર અને ભ્રષ્ટ શાસકોને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે આ ગંદા અને ઝેરી પાણીના કારણે જો તેમના ઘરના બાળકો કે વૃદ્ધો બીમાર પડશે અથવા કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે, તો તેની તમામ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની અને આ અંધારામાં જીવતા નેતાઓની રહેશે.
એક જાગૃત નાગરિકે તો રોષે ભરાઈને જાહેરાત કરી છે કે જો તેમના પરિવારમાં કોઈ બીમાર પડશે તો તેઓ સીધો વડોદરા કોર્પોરેશન પર કોર્ટમાં કેસ કરશે.
નાગરિકોએ સાફ શબ્દોમાં વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે જો આગામી બે થી ત્રણ દિવસમાં ડ્રેનેજ મિશ્રિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો રહીશો નગરપાલિકાની કચેરીએ જઈને ઉગ્ર અને હિંસક આંદોલન શરૂ કરશે, જેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.

Reporter: admin

Related Post